Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

કેદાર ઘાટીમાં સ્થિત કેદારનાથ મંદિરની પાછળ શિવ ઉદ્યાન બનાવવામાં આવશે

વડાપ્રધાને કેદારનાથ ટ્રેક-કેદાર ઘાટીમાં વિકાસ પર ભાર મૂક્યો : ગૌરીકુંડથી કેદારનાથ સુધીના ટ્રેક પર ચાર ચિંતન સ્થળો બનાવાશે, આ પ્રોજેક્ટ્સને આઠ મહિનામાં પૂર્ણ કરશે

નવી દિલ્હી, તા.૧ : વડાપ્રધાને કેદારનાથ ટ્રેક અને કેદાર ઘાટીમાં યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓના નિર્માણ અને વિકાસ પર ભાર મૂક્યો છે. આ અંતર્ગત કેદાર ઘાટીમાં સ્થિત કેદારનાથ મંદિરની પાછળ એક શિવ ઉદ્યાન બનાવવામાં આવશે, જે યાત્રિકોને દિવ્યતાની અનુભૂતિ કરાવશે. તીર્થયાત્રીઓના ધ્યાન અને આરામ માટે, ગૌરીકુંડથી કેદારનાથ સુધીના ટ્રેક પર ચાર ચિંતન સ્થળો બનાવવામાં આવશે. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય ૨૦૨૩માં શરૂ થનારા આ પ્રોજેક્ટ્સને ૮ મહિનામાં પૂર્ણ કરશે. તેના માટે ૧૧૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

ગૌરીકુંડથી કેદારનાથ સુધીના ૧૮ કિલોમીટરના રૂટ પર આવતા રામબાડા, છોટી લિનચોલી, બડી લિનચોલી અને ચન્ની કેમ્પ જેવા રમણીય સ્થળો પર ધ્યાન સ્થાનો બનાવવામાં આવશે. શિવ ઉદ્યાનમાં યાત્રાળુઓ માટે એમ્ફી થિયેટર-શૈલીનો વિશાળ બેઠક વિસ્તાર, ગ્રીન એરિયા અને તેની આસપાસ એક રિટેઈનિંગ વોલ હશે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે આ પાછળનો વિચાર શ્રદ્ધાળુઓને સંપૂર્ણ આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરવાનો અને કેદારનાથ મંદિરની તેમની મુલાકાતને વધુ આરામદાયક અને સમૃદ્ધ બનાવવાનો છે. યાત્રાળુઓ માટે ચાર ચિંતન સ્થળો તેમજ તેમના આરામ અને સ્વસ્થ થવાના સ્થળો પર ધ્યાન સંગીત વગાડવામાં આવશે. અહીંની દીવાલો પર ડિસ્પ્લે એલઈડીમાં કેદારનાથ મંદિરના દ્રશ્યો હશે.

હાલમાં, ગૌરીકુંડથી કેદારનાથ મંદિર સુધીના માર્ગમાં મોટાભાગે આવાસ અને આરામ માટે ખાનગી સુવિધાઓ છે. કેદારનાથમાં આવનારા ભક્તોની ભીડના કારણે સુવિધાઓ ઊભી કરવા અધિકારીઓને વડા પ્રધાનની વિનંતી વચ્ચે આ પગલાં પણ લેવામાં આવ્યા છે. આ વર્ષે રેકોર્ડ ૧૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથની મુલાકાત લીધી હતી.

કેદારનાથમાં ગયા વર્ષે પીએમ દ્વારા ઉદ્ઘાટન કરાયેલ આદિ ગુરુ શંકરાચાર્યની જીર્ણોદ્ધાર સમાધિની મુલાકાત લેનારા યાત્રિકોમાં પણ મોટો વધારો થયો છે. સમાધિ સ્થળે શંકરાચાર્યની ૧૨ ફૂટની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. હવે કેદારનાથ આવતા શ્રદ્ધાળુઓ માટે શિવ ઉદ્યાન એક નવું આકર્ષણ બનશે.

(7:52 pm IST)