Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

લગ્ન રદ થયા અને રૂપિયા ગુમાવવા પડ્યાઃ હવે એવું નહિ થાયઃ લઇ રાખો વેડિંગ ઇન્શ્યોરન્સ

નવી દિલ્હી, તા.૧: ભારતમાં થતા લગ્નોથી સમગ્ર દુનિયા વાકેફ છે. કારણકે તેમાં બહુજ મોટા પ્રમાણમાં ખર્ચો કરવામાં આવતો હોય છે. સામાન્ય રીતે લગ્ન પ્રસંગે લોકો પોતાની ક્ષમતાથી પણ વધુ ખર્ચો કરતા હોય છે. ભારતના રિવાજો મુજબ લગ્ન કેન્સલ થવાના ચાન્સ ખુબજ નહિવત રહેતા હોય છે. પરંતુ જો ક્યારેક એવું બને તો પણ તમારે તે અંગે તૈયાર રહેવું જોઈએ.

સામાન્ય રીતે લગ્નના ઘણા સમય પહેલા એડવાન્સ બુકીંગ માટે ઘણી જગ્યાએ બુકીંગ અર્થે રૂપિયા આપેલા હોય છે. અથવા તો તેમાં કેન્સલેશન ફી આપવાની રહેતી હોય છે. એવા સમયે તમને વેડિંગ ઇન્સ્યોરન્સ મદદરૂપ થશે. વેડિંગ પ્લાનર્સ તેમના કલાઈન્ટને આ ઇન્સ્યોરન્સ ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે. લગ્ન એક અતિ મોટું કાર્ય છે કે જેમાં ઘણી વખત વિઘ્ન આવતા હોય છે એવા સમયે આ પ્રકારનો ઇન્સ્યોરન્સ કામ આવે છે.

ધારોકે, તમે ૨૦ લાખનું વીમા કવર લ્યો છો તો તમારે ઇન્સ્યોરન્સ તરીકે રૂ.૨૦૦૦ થી ૨૦,૦૦૦ સુધીની રકમ ભરવી પડે છે. હવે જોઈએ કે કેવી પરિસ્થિતિમાં લગ્ન કેન્સલ થાય તો આ કવર કામ આવે. જો કોઈ કુદરતી આફતો જેવી કે આગ, રમખાણો તેમજ એક જગ્યા એથી બીજી જગ્યાએ જતી વેળાએ અકસ્માત થાય, રૂપિયાની ચોરી થઇ જાય તો વરરાજા કે તેમના નજીકના કોઈ લોકોને સહાય મળશે.

પ્રીમિયમની રકમ ઇન્સ્યોરન્સ કંપની અને તમારા દ્વારા નક્કી કરેલા કવર પ્લાન પર આધાર રાખતું હોય છે. જેમાં અલગ અલગ ઘણા પાસાઓને ધ્યાને લેવાતા હોય છે. તેમજ પોલિસીમાં ઘણી પ્રકારના પ્લાન હોય છે અને અનેક પ્રકારના કવર આપવામાં આવતું હોય છે.

વીમા ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા એકસપર્ટોનું માનવું છે કે, ભારતમાં એટલા માટે પસંદ કરવામાં નથી આવતું કેમ કે અહીંના લોકો એવું માને છે કે શુભ દિવસે કઈ પણ અશુભ થાય તે શક્ય નથી. આ સિવાય ઇન્સ્યોરન્સ એ લોકો પસંદ કરશે કે જેઓ લગ્નમાં ૫૦ લાખથી વધુનો ખર્ચો કરી રહ્યા હોય. તેમજ આર્થિક ઓછા સદ્ધર લોકો કે જેઓ નાના પાયે લગ્નનું આયોજન કરી રહ્યા હોય તેઓ આ બાબતે ઓછો રસ દાખવે છે.(

(4:30 pm IST)