Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા છ શેર્સમાં કરોડો કમાયા

માર્ચ-એપ્રિલના કડાકામાં પોર્ટફોલિયોમાં ગાબડું પડ્યું : છેલ્લા સપ્તાહોમાં શેરબજારમાં આવેલા ઊછાળાને કારણે ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ ૧૪ હજાર કરોડ પરV

નવી દિલ્હી, તા. ૧ : છેલ્લા કેટલાક સપ્તાહોમાં શેરબજારમાં આવેલા જોરદાર ઉછાળામાં બિગ બુલ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યૂ ૧૪ હજાર કરોડ રુપિયા પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જ માર્ચ-એપ્રિલમાં આવેલા જંગી કડાકામાં ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં જોરદાર ગાબડું પણ પડ્યું હતું. ઝુનઝુનવાલાનું ટાઈટન કંપની, એસ્કોર્ટ્સ, ક્રિસિલ, જ્યુબિલિયન્ટ લાઈફ, લુપિન અને રોલીસ ઈન્ડિયામાં જંગી રોકાણ છે. આ તમામ સ્ટોક માર્ચમાં બનાવેલા તળિયાથી ખાસ્સા ઉપર આવી ચૂક્યા છે, અને હાલ તે તમામ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. બિગ બુલનું આ છ શેર્સમાં જેટલું રોકાણ છે તેની વેલ્યૂ ૧૦ હજાર કરોડ જેટલી થાય છે.

ઝુનઝુનવાલા પાસે રહેલા એસ્કોર્ટ્સના શેરનો ભાવ ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ૬૨૯ રુપિયા હતો, જે ૧૨૧ ટકા વધીને ૧૩૯૪ રુપિયા પર પહોંચી ચૂક્યો છે. ૩૦ સપ્ટેમ્બરના ડેટા અનુસાર એસ્કોર્ટ્સના શેરની વેલ્યૂ ૧૦૫૪ કરોડ જેટલી થાય છે. તેમણે ટ્રેક્ટર બનાવતી આ કંપનીમાં પોતાનો સ્ટેક ૭.૭૩ ટાથી ઘટાડીને ૫.૬૪ ટકા કર્યો છે. લેટેસ્ટ આંકડા અનુસાર, બિગ બુલ રોલીસ ઈન્ડિયામાં ૧૦.૩૧ ટકાનો હિસ્સો ધરાવે છે, અને તેમના સ્ટેકની વેલ્યૂ ૫૫૭ કરોડ રુપિયા જેટલી થાય છે. આ શેરે પણ એક વર્ષમાં ૬૫ ટકા જેટલું વળતર આપ્યું છે.

આ સિવાય જ્યુબિલિયન્ટ લાઈફમાં આ વર્ષે ઝુનઝુનવાલા ૩૨ ટકા રિટર્ન કમાયા છે. તેમની પાસે આ કંપનીના ૬૫૬ કરોડ રુપિયાના શેર છે. ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સૌથી વધુ હિસ્સો ટાઈટનનો છે. જેની વેલ્યૂ ૬૫૦૪ કરોડ રુપિયા જેટલી થાય છે. જોકે, તેઓ આ કંપનીમાં પોતાનો હિસ્સો સતત ઘટાડી રહ્યા છે, અને તે ૬.૬૯ ટકાથી ઘટીને હાલ ૫.૫૨ ટકા પર પહોંચ્યો છે. ક્રિસિલમાં ઝુનઝુનવાલા અને તેમના પત્નીનો ૫.૪૯ ટકા હિસ્સો છે, જેની વેલ્યૂ ૭૮૯ કરોડ થાય છે.

લૂપિનમાં ઝુનઝુનવાલા આ વર્ષે ૧૭ ટકા જેટલું રિટર્ન કમાયા છે. તેઓ આ કંપનીમાં ૧.૫૩ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ગયા મહિને ઈટી નાઉને આપેલા એક ઈન્ટર્વ્યુમાં ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે ભારતમાં દુનિયાની ફાર્મા કેપિટલ બનવાની ક્ષમતા છે. ફાર્મા સેક્ટરમાં તેજી આવવાની જ હતી, અને તે હજુય આગળ જશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ દરમિયાન ઝુનઝુનવાલાએ ટાટા મોટર્સમાં પણ હિસ્સો ખરીદ્યો છે, જેની વેલ્યૂ ૬૮૮ કરોડ રુપિયા જેટલી થાય છે. આ શેર છેલ્લા ત્રણ મહિનામાં ૨૫ ટકા જેટલો ઉપર આવી ચૂક્યો છે. કુલ મિલાવીને ઝુનઝુનવાલાનો પોર્ટફોલિયો હાલ ૧૪.૧૪૭ કરોડ રુપિયાનો થાય છે જે જુન ૨૦૧૯ના હાઈ વખતની ૧૪,૨૧૧ કરોડની આસપાસ થાય છે. શેરબજારમાં આવેલા નવા રોકાણકારોને પોતે શું સલાહ આપવા ઈચ્છશે તેવા સવાલનો જવાબ આપતા એકવાર ઝુનઝુનવાલાએ ગયા મહિને એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે રોકાણકારો શરુઆતમાં ટ્રેડિંગમાં પોતાને શું કરવાનું છે તે અંગે સ્પષ્ટ રહે, અને પ્રોફેશનલ્સ દ્વારા અપાતી સલાહ પર વિશ્વાસ કરે. તેમણે કહ્યું હતું કે માત્ર ગાણિતિક ગણતરીઓથી ટ્રેડ ના કરશો. આ એક ફુલટાઈમ વ્યવસાય છે. જો તમે ફુલટાઈમ ના આપી શકો તો પ્રોફેશનલ્સની મદદથી રોકાણ કરો.

(9:20 pm IST)