Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

GST રિટર્ન ૩ મહિને ફાઇલ કરવાનું ટેકસ તો દર મહિને જમા કરાવવાનો

દર મહિને ટેકસ ભરાવવાના લીધે ગણતરી તો કરવી જ પડશે : વેપારીઓની સાથે સાથે સીએ અને ટેકસ કન્સલ્ટન્ટની પણ હાલત કફોડી

નવી દિલ્હી,તા. ૧ : પ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનાર વેપારીને દર ત્રણ મહિને રિટર્ન ભરવાની છૂટ તો આપવામાં આવી છે, પરંતુ વેપારી દ્વારા ટેકસ તો દર મહિને જ ભરવાનો રહેશે. તેના કારણે વેપારીઓએ મહિનાના અંતે રિટર્ન ભરવામાંથી તો મુકિત મળી છે તેની સાથે ગણતરી તો કરવી જ પડશે. તેમાં ભૂલ રહી તો ત્રણ મહિને રિટર્ન ભરતી વખતે એક સાથે ત્રણ મહિનાનો દંડ ભરવાની નોબત આવીને ઊભી રહે તેમ છે.

વેપારીઓને રિટર્ન ભરવાની પળોજણમાંથી દર મહિને મુકિત મળે તે માટે જીએસટી દ્વારા દર ત્રણ મહિને રિટર્ન ભરવાની છૂટ આપતી જાહેરાત કરી છે. પરંતુ તેના લીધે વેપારીઓની તકલીફ દૂર થવાને બદલે વધવાની છે. કારણ કે પાંચ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનાર વેપારીએ દર ત્રણ મહિને રિટર્ન ભરવાની છૂટ તો આપી છે. પરંતુ તે પેટેનો ટેકસ દર મહિને ભરવાની જાહેરાત કરી છે. તેના કારણે વેપારીએ ખરીદ વેચાણના આંકડાની ગણતરી કરીને ટેકસ ભરવો પડશે. આ ઉપરાંત ગણતરી કર્યા બાદ જયારે ત્રણ મહિને રિટર્ન ભરવામાં આવે ત્યારે ટેકસની રકમમાં તફાવત આવ્યો તો દંડ ભરવાની પણ સ્થિતિ ઊભી થાય તેમ છે. તેના કારણે વેપારીઓની સાથે સાથે સીએ અને ટેકસ કન્સલ્ટન્ટની પણ પરેશાની વધી છે. આ માટે એવી જાણકારી મળી છે કે વેપારીએ દર ત્રણ મહિને રિટર્ત ભરવાની વાત કરીને ફીની રકમ ઘટાડવા માટે સીએ અથવા તો ટેકસ કન્સલ્ટન્ટને જણાવે છે. જયારે તેની ગણતરીતો પહેલાની માફક જ દર મહિને કરવાની રહેતી હોય છે. જેથી વેપારીઓને ત્રણ મહિને રિટર્ન ભરવાના નામે ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા હોવાનો અનુભવ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વેપારીએ રિટર્ન ભરતી વખતે ટેકસની રકમમાં તફાવત આવ્યો તો એક દિવસના ૫૦ રૂપિયા લેખે દંડ ભરપાઈ કરવાનો રહેતો હોય છે. જેથી ત્રણ મહિનાની ગણતરી કરવામાં આવે તો વેપારીએ ઓછામાં ઓછો ૪૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે.

(11:39 am IST)