Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

PFમાંથી ઉપાડની રકમ ITRમાં દર્શાવવી આવશ્યક છે

નવી દિલ્હી તા. ૧ : જો તમે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (EPFO)માંથી નાણા ઉપાડયા હશે તો તમારે ઇન્કમ ટેકસ રિટર્ન (ITR) ફાઇલ કરતી વખતે એ ઉપાડની માહિતી આપવી જરૂરી છે. પછી ભલે એ ઉપાડવામાં આવેલી રકમ કરમુકત હોય કે નહીં. આમ તો એ રકમ કેટલીક શરતોને આધીન કરમુકત છે.

પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડની જાણ આમ ઇન્કમ ટેકસ વિભાગને તો થઇ જ ગઇ હોય છે, કારણ કે રૂ. ૫૦,૦૦૦ના ઉપાડની રકમ પર રૂ. ૧૦ ટકા TDS કપાઇ જાય છે, જો આ ઉપાડ સભ્ય બન્યાના પાંચ વર્ષ પહેલા થઇ હોય તો. સરકારે કોવિડ-૧૯ રોગચાળાને કારણે નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા EPFના સભ્યોને પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડની મંજૂરી આપી છે. જોકે તેમના જમા બેલેન્સના ૭૫ ટકા રકમ અથવા ત્રણ મહિનાના બેઝિક પગાર પ્લસ મોંઘવારી ભથ્થા - બેમાંથી જે ઓછી રકમ હોય એ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે.

વળી, કોવિડ-૧૯ રાહત હેઠળ કર્મચારીને ઉપાડેલી રકમને ટેકસમાંથી છૂટ આપવામાં આવી છે, ભલે પછી કર્મચારીએ સરકારની ગાઇડલાઇન્સ મુજબ સર્વિસમાં પાંચ વર્ષ પૂરા ન કર્યા હોય. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇન્કમ ટેકસ રિટર્નમાં પીએફની ઉપાડની રકમ દર્શાવવી જરૂરી છે, કારણ કે ટેકસ વિભાગ કરદાતાની આવકની આકારણી કરે છે અને એમાં વિસંગતિ ઉભી થાય છે. જેથી એ ઉપાડની રકમ દર્શાવવી જરૂરી છે. એના પર કોઇ દંડ નથી, કારણ કે એ આવક કરમુકત છે.

(9:33 am IST)