Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કોવિડ સંક્રમિત સાથે ઘરમાં રહેનારને ચેપનો વધુ ખતરો

લોકો સંક્રમણનાં લક્ષણો ધરાવતા હોય તેમણે ઝડપથી ટેસ્ટ કરાવીને આઇસોલેટ થઇ જવું જોઇએ

 નવી દિલ્હી,તા.૧: કોરોના વાઇરસના એસિમ્પ્ટોમેટિક અર્થાત જેનામાં સંક્રમણનાં લક્ષણો ના જોવા મળતા તેવા દર્દીઓને મુકાબલે જે દર્દીમાં સંક્રમણનાં લક્ષણો જોવા મળતા હોય તેવા સિમ્પ્ટોમેટિક દર્દી સંક્રમણનો ફેલાવો કરવામાં મોટી ભૂમિકા નિભાવતા હોય છે, કારણ કે ઉધરસ કે ખાંસી જેવાં લક્ષણો સંક્રમણને લાંબા સમય સુધી અને દૂર સુધી ફેલાવાની ક્ષમતા ધરાવતા હોય છે. જાહેર આરોગ્ય નિષ્ણાતોએ ઉપરની હકીકત તરફ ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે સંક્રમણની ચેન તોડવા માટે વેળાસરનું આઇસોલેશન, ટેસ્ટિંગ અને કોન્ટેકટ ટ્રેસિંગનું ખૂબ મહત્ત્વ છે.

લંડન ખાતેની ઇમ્પિરિઅલ કોલેજના સંશોધકોને તેમના સંશોધન દરમિયાન હાથ લાગેલા તથ્યો મુજબ સિમ્પ્ટોમેટિક દર્દીને મુકાબલે એસિમ્પ્ટોમેટિક દર્દી સંક્રમણનો ફેલાવો ચાર ગણો ઓછો કરે છે. સંશોધકોનું કહેવું છે કે સંક્રમિત વ્યકિત સાથે ઘરમાં રહેનાર પર સંક્રમણનું સૌથી વધુ જોખમ હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકો સંક્રમણનાં લક્ષણો ધરાવતા હોય તેમણે ઝડપથી ટેસ્ટ કરાવીને આઇસોલેટ થઇ જવું જોઇએ, કારણ કે આરંભિક એક બે દિવસ દરમિયાન વાઇરસ સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે.

એમ્સના ડિરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, 'જો દર્દી એસિમ્પ્ટોમેટિક હોય તો તે ખાસી ઉધરસ ખાતો નથી હોતો. તેને કારણે દૂરના અંતરે સંક્રમણના ફેલાવાની શકયતા ઘટી જતી હોય છે. સંક્રમણનો ફેલાવો કરી શકે તેવી સામગ્રીનો ફેલાવો તે કારણસર ઓછો થતો હોય છે. તે કારણસર સિમ્પ્ટોમેટિક દર્દીને મુકાબલે એસિમ્પ્ટોમેટિક દર્દી સંક્રમણનો ફેલાવો ઓછો કરે છે.

(9:32 am IST)