Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ચીનમાં ઉઇગર મુસ્લિમો માટે ચૂપ ,અને ફ્રાન્સ સામે કેમ આગબબુલા ? : પાકિસ્તાન મીડિયામાં સરકાર વિરુદ્ધ થઇ રહેલી કોમેન્ટ : ખુદ પાકિસ્તાનમાં લઘુમતી કોમને ધાર્મિક આઝાદી નથી અને ફ્રાન્સમાં ધાર્મિક આઝાદી હોવી જોઈએ તેવા ભાષણ આપો છો

ઇસ્લામાબાદ : ચીનમાં ઉઇગર મુસ્લિમો ઉપર થઇ રહેલા અત્યાચાર વિરુદ્ધ સમગ્ર વિશ્વમાં ઉહાપોહ થઇ રહ્યો છે.પરંતુ પાકિસ્તાન સરકાર આ મામલે ચૂપ જોવા   મળે છે.સામે પક્ષે ફ્રાન્સમાં મુસ્લિમો વિરુદ્ધ સરકારના કડક વલણ સામે પાકિસ્તાન સરકાર આગબબુલા થઇ રહી છે.તેવી કોમેન્ટ પાકિસ્તાની મીડિયામાં વાઇરલ થઇ રહી છે.

મીડિયામાં વાઇરલ થયેલી આ કોમેન્ટમાં વિશેષમાં જણાવાયા મુજબ પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાન અને તેમના મંત્રી ફ્રાન્સમાં ધાર્મિક આઝાદી નથી તેવા વિધાનો કરે છે.સામે પક્ષે ખુદ પાકિસ્તાનમાં લઘુમતી કોમોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે તો પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી.
પાકિસ્તાનના પત્રકાર શાહિદે ઇમરાનખાન સરકારના બેવડા વલણ સામે વાંધો ઉઠાવતા જણાવ્યું છે કે ફ્રાન્સમાં પયગમ્બર સાહેબના કાર્ટૂન મામલે થયેલી બબાલ અંગે નિવેદન કરી રહેલી  સરકાર એ જોઈ શકતી નથી કે ફ્રાન્સમાં મુસ્લિમોની સંખ્યા વધી રહી છે.જ્યાં 1971 ની સાલમાં 33  મસ્જિદો હતી ત્યાં અત્યારે  2500  છે.તેમ છતાં ફ્રાન્સ સરકારની ટીકા કરો છો અને પાકિસ્તાનમાં લઘુમતી કોમને ધાર્મિક સ્વાતંત્ર્ય પૂરતા પ્રમાણમાં મળતું નથી અને ફ્રાન્સમાં ધાર્મિક સ્વાતંત્ર્ય નથી તેવા લેક્ચર આપો છો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:15 pm IST)