Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

IPL -2020 : ચેન્નઈ સુપરકિંગ્સે 9 વિકેટે કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું : બંને ટીમો પ્લે ઑફ માંથી બહાર થઇ

મેન ઓફ ધ મેચ ઋતુરાજ ગાયકવાડના અણનમ 62 રન ફટકાર્યા

ગમુંબઈ : ચેન્નઈ સુપરકિંગ્સે  9 વિકેટે કિંગ્સ ઇલેવન પંજાબને હરાવતા બંને ટીમો  પ્લે ઓફમાંથી બહાર થઇ છે ચેન્નાઈએ ટોસ જીતીને કિંગ્સ ઇલેવન પંજાબને બેટિંગમાં ઉતારતા હૂડાના આક્રમક 30 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 62 રનના સથવારે 20 ઓવરમાં 6 વિકેટે 153 રન કરી શક્યુ હતુ.ચેન્નઈ સુપરકિંગ્સે ઋતુરાજ ગાયકવાડના 49 બોલમાં એક છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી અણનમ 62 રનના સથવારે 18.5 ઓવરમાં એક જ વિકેટ ગુમાવી 154 રન કરી વિજય મેળવ્યો હતો. આ સાથે ચેન્નઈ સુપરકિંગ્સ તો આઇપીએલ પ્લે ઓફની બહાર થયું, તેની સાથે કિંગ્સ ઇલેવન પંજાબ પણ પ્લે ઓફની બહાર થઈ ગયું હતું. કિંગ્સ ઇલેવન પંજાબે પ્લે ઓફમાં ટકવા માટે આજની મેચ જીતવી જરૂરી હતી, પરંતુ તે તેમા સદંતર નિષ્ફળ રહ્યુ હતુ.

 ચેન્નઈ સુપરકિંગ્સે ટોસ જીતીને બેટિંગમાં ઉતાર્યા પછી કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રાહુલ અને મયંક અગ્રવાલે ધમાકેદાર શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ પાંચ ઓવરમાં 48 રન ઉમેર્યા ત્યારે લાગતું હતું કે પંજાબ જંગી જુમલો ખડકશે, પરંતુ મયંક અગ્રવાલના આઉટ થયા પછી કિંગ્સ ઇલેવન પંજાબની રન ગતિ આશ્ચર્યજનક રીતે ધીમી પડી ગઈ હતી. તેના પછી હૂડાને બાદ કરતાં કિંગ્સ ઇલેવનનો કોઈપણ બેટ્સમેન જોઈએ તેટલા વિશ્વાસપૂર્વક રમી શક્યો ન હતો અને કિંગ્સ ઇલેવને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી.

મયંક અગ્રવાલના આઉટ થયાં પછી 62ના સ્કોરે કેપ્ટ્ન  કેએલ રાહુલ, 68 રનના સ્કોરે નિકોલસ પૂરન અને 72 રનના સ્કોરે ગેલ આઉટ થતાં પંજાબની જંગી જુમલો ખડકવાની આશા પર પાણી ફરી વળ્યુ હતુ. એક સમયે પંજાબ તેનો પ્રારંભ જોતા 180થી 190 રનનો સ્કોર સરળતાથી કરે તેમ લાગતું હતું તે એક સમયે દોઢસો રન પણ નહીં કરે તેમ લાગતુ હતુ.પણ હૂડાએ છેલ્લી ઓવરોમાં બેટ ઉચકતા પંજાબ લડત આપે તેટલો સ્કોર કરી શક્યું હતું. પણ આજનો દિવસ પંજાબનો હતો જ નહી તેમ લાગતું હતું. જો હૂડા રમ્યો ન હોત તો પંજાબ માટે 140 રન કરવા પણ મુશ્કેલ હતું તેમ લાગતું હતું. પંજાબ તરફથી એન્ગિડીએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઠાકુર, તાહિર અને જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી.

ચેન્નઈની બેટિંગમાં પ્લેસિસે તેને આઉટ અપાયો તેની સામે લીધેલો રીવ્યુ સફળ રહ્યો અને તેનો કેચ પણ વિકેટકીપિંગમાં રાહુલે છોડ્યો. આના લીધે પહેલી પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડ વચ્ચે પહેલી વિકેટની 82 રનની ભાગીદારીએ ચેન્નઈના વિજયનો પાયો નાખ્યો હતો. પ્લેસિસ 34 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 48 રન કરી આઉટ થયો, તે બે રન માટે તેની હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો.

જ્યારે ગાયકવાડે સળંગ ત્રીજી હાફ સેન્ચુરી નોંધાવી હતી. ગાયકવાડને રાયડુએ અણનમ 30 રન કરી સારો ટેકો આપ્યો હતો. પંજાબ તરફથી એકમાત્ર વિકેટ જોર્ડને ઝડપી હતી. આ મેચ સાથે બંને ટીમ તેમની 14 મેચના અંતે છ-છ મેચ જીતી 12-12 પોઇન્ટ પ્લે ઓફની બહાર ફેંકાઈ ગઈ હતી. પંજાબ જો મેચ જીતવામાં સફળ રહ્યું હોત તો તેના 14 પોઇન્ટ થાત અને તેને પ્લે ઓફમાં જીતવાની સંભાવના રહેત.

 

(9:59 pm IST)