Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

ભાજપમાં સામેલ થવા માટે સિંધિયાએ 50 કરોડ રૂપિયા અને મંત્રી પદની ઑફર આપી હતી: કોંગ્રેસ ધારાસભ્ય ઉમંગ સિંઘારના નિવેદનથી રાજકારણમાં ગરમાવો

ભોપાલ: મધ્ય પ્રદેશની કમલનાથ સરકારમાં મંત્રી રહેલા કોંગ્રેસ ધારાસભ્ય ઉમંગ સિંઘારે ભાજપ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પર સંગીન આરોપ લગાવ્યાં છે. સિંઘારે કહ્યું છે કે, ભાજપમાં સામેલ થવા માટે સિંધિયાએ 50 કરોડ રૂપિયા અને મંત્રી પદની ઑફર આપી હતી.

કોંગ્રેસ ધારાસભ્યના આરોપો બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. જ્યોતિરાદિત્ય સિંધિયા હવે કોંગ્રેસના નિશાને આવી ગયા મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, પોતાના પર લાગેલા આરોપોનો સિંધિયાએ જવાબ આપવો જોઈએ.

બદનાવરમાં એક જનસભાને સંબોધતા દિગ્વિજય સિંહે કહ્યું કે, ઉમંગ સિંઘાર જ્યોતિરાદિત્ય સિંધિયાના ખાસ હતા. તેમણે જે પણ આરોપ લગાવ્યાં છે, તેના પર સિંધિયાએ સ્પષ્ટતા કરવી જોઈએ.

બીજી તરફ ભાજપ પ્રવક્તા રજનીસ અગ્રવાલે કહ્યું કે, ઉમંગ સિંઘારનો આરોપ તેમની માનસિક્તા ઉજાગર કરે છે કે, કોંગ્રેસ પેટાચૂંટણીમાં  વિકાસના મુદ્દે વાત નથી કરવા માંગતી. કોંગ્રેસના નેતા પાયાવિહોણા આરોપ લગાવી રહ્યાં છે. આવા લોકોને જવાબ આપવાનો કોઈ અર્થ નથી.

સિંઘારના આરોપ કોંગ્રેસની હારની હતાશાથી ઉપજેલા શબ્દોથી વિશેષ કંઈ નથી. કોંગ્રેસમાં આંતરિક મતભેદ છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં નેતા વિપક્ષ અને પ્રદેશ અધ્યક્ષને લઈને ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે સિંઘારનું નિવેદન તેનું પરિણામ છે. ઉમંગ સિંઘાર સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા માટે સિંધિયા પર આરોપ લગાવી રહ્યાં છે.

ઉમંગ સિંઘારે સિંધિયા પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેમણે ભાજપમાં સામેલ થવા માટે મને 50 કરોડ રૂપિયા અને મંત્રીપદની ઑફર આપી હતી.

ઉમંગ સિંઘારે વધુમાં જણાવ્યું કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ  તેમને કહ્યું કે, કોંગ્રેસમાં તમારુ કોઈ ભવિષ્ય નથી. તમારી આર્થિક સ્થિતિને જોતા અમે તમને 50 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી આપીએ છીએ. મારી ભાજપ સાથે વાતચીત થઈ હઈ છે. તમને મંત્રી પદ પણ આપવામાં આવશે.

જણાવી દઈએ કે, માર્ચ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. સિંધિયા જૂથના ધારાસભ્યોએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જેના કારણે કોંગ્રેસની સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી અને મુખ્યમંત્રી કમલનાથે ખુરશી ખાલી કરવાની ફરજ પડી હતી.

(12:34 pm IST)