Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

આશા પારેખ હોસ્પિટલ તરીકે ઓળખાતી મુંબઈની બીસીજે જનરલ હોસ્પિટલનું નવનિર્માણ કરાશે : અદ્યતન સુવિધાઓ સાથે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રૂપાંતર કરવાનું આયોજન : જૂનું અને જર્જરિત થઇ ગયેલું બિલ્ડીંગ ધ્વસ્ત કરી નવેમ્બરથી નવા બિલ્ડિંગનું કામ શરૂ કરવા માટે ચેરિટી કમિશનર સમક્ષ માંગણી

મુંબઈ : મુંબઈના સાન્તાક્રુઝમાં આવેલી તથા શેલ્બી  ગ્રુપ દ્વારા સંચાલિત આશા પારેખ હોસ્પિટલ તરીકે ઓળખાતી મુંબઈની બીસીજે જનરલ  હોસ્પિટલનું નવનિર્માણ કરવાનું આયોજન કરાયું છે.જે મુજબ 120 બેડની સુવિધાઓ સાથેનું  જૂનું અને જર્જરિત થઇ ગયેલું બિલ્ડીંગ ધ્વસ્ત કરી તેની જગ્યાએ  અદ્યતન સુવિધાઓ સાથે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રૂપાંતર કરવા માટે  ચેરિટી કમિશનર સમક્ષ માંગણી  કરાઈ છે.નવનિર્માણનું કામ નવેમ્બર માસથી શરૂ કરી દેવાની માંગણી છે.

હોસ્પિટલનું નામ તથા સંચાલન યથાવત રહેશે. જુના જમાનાની જાજરમાન અભિનેત્રી આશા પારેખના વડપણ હેઠળના ટ્રસ્ટ તથા શેલ્બી હોસ્પિટલ ગ્રુપ સંચાલિત આ હોસ્પિટલના નવનિર્માણનું  કામ કોવિદ -19 સંજોગોને ધ્યાને લેતા ક્યારે પૂરું થશે તે અંગે કોઈ નિશ્ચિત સમય મર્યાદા આપી શકાય તેમ ન હોવાનું જણાવાયું  છે.
ઉલ્લેખનીય છે કે જરૂરિયાતમંદ લોકોની મામૂલી દરે સારવાર કરી આપવા  માટે સાન્તાક્રુઝમાં આવેલી હોસ્પિટલ અભિનેત્રી આશા પારેખે પોતાની માતાની સ્મૃતિમાં શરૂ કરાવી હતી.જેનું સંચાલન શેલ્બી ગ્રુપ દ્વારા કરાતું હતું.પરંતુ હોસ્પિટલ ખોટમાં જવાથી 2017 ની સાલથી બંધ કરી દેવાઈ હતી. 2007 થી 2017 ની સાલ દરમિયાન આ હોસ્પિટલ માટે બેન્ક ઓફ ઇન્ડિયામાંથી 9 કરોડ રૂપિયાની લોન પણ લેવાઈ હતી.કર્મચારીઓના પગાર પણ અટકી પડ્યા હતા.તેથી તેઓએ ચેરિટી કમિશનર સમક્ષ રજુઆત પણ કરી હતી.બાદમાં જાણવા મળ્યા મુજબ લોન ભરપાઈ કરી દેવામાં આવી હતી.
હવે આ હોસ્પિટલ ફરીથી શરૂ થવા જઇ રહી છે.જે માટે સુશ્રી આશા પારેખ તથા શેલ્બી ગ્રુપ સંમત થઇ ગયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)