Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

સનરાઇઝર્સ હૈદરાબાદે તોફાની બેટિંગથી રોયલ ચેલેન્જ બેંગ્લોરને 5 વિકેટે હરાવ્યું

સાહાએ 32 બોલમાં 39 રન અને પાંડેએ 19 બોલમાં 26 રન ફટકારી વિજયી પાયો નાખ્યો : જેસન હોલ્ડરે 10 બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 26 રન ઝૂડી નાખ્યા અને વિજયી છગ્ગો ફટકાર્યો

મુંબઈ : સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જ બેંગ્લોર (આરસીબી)ને પાંચ વિકેટે હરાવીને હજી પણ પ્લે ઓફની આશા જીવંત રાખી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને રોયલ ચેલેન્જ બેંગ્લોરને બેટિંગમાં ઉતારવાનો લીધેલો નિર્ણય યોગ્ય નીવડ્યો હતો. રોયલ ચેલેન્જ બેંગ્લોરે 20 ઓવરમાં 7 વિકેટે 120 જ રન કરી શક્યું હતું. અટકીને આવતા બોલને રમવામાં રોયલ ચેલેન્જ બેંગ્લોરના બેટ્સમેનોને રમવામાં ખાસ્સી મુશ્કેલી પડી હતી.

આટલું ઓછું હોય તેમ કેપ્ટન કોહલી અને એબી ડિવિલિયર્સ પણ મોટો જુમલો ખડકી ન શકતા આરસીબી મોટો જુમલો નહી ખડકી શકે તે સુનિશ્ચિત થઈ ગયું હતું. સમગ્ર સિરીઝમાં સફળ જનાર પડિકલના બેટ પર આજે પહેલેથી જ બોલ આવતા ન હતા. તે સમયે જ લાગતુ હતુ કે સનરાઇઝર્સ માટે આ મેચમાં રન કરવા અઘરા છે.

આવો જ એક અટકીને આવતો બોલ ફટકારવા જતા પડિકલ બોલ્ડ થયો હતો. તેના પછી આવેલ કેપ્ટન વિરાટ કોહલી પણ ખાસ કંઈ કરી ન શકતા ફક્ત સાત રન કરી આઉટ થયો હતો. જો કે તેના પછી ડીવિલિયર્સ અને ફિલિપ વચ્ચેની ત્રીજી વિકેટની ભાગીદારી જામી ત્યારે લાગતુ હતું કે ડીવિલિયર્સ ટીમને મોટા સ્કોર તરફ લઈ જઈ શકે છે.બંને વચ્ચે ત્રીજી વિકેટની 43 રનની ભાગીદારી નોંધાઈ હતી. પણ ડીવિલિયર્સના આઉટ થવાના પગલે રોયલ ચેલેન્જ બેંગ્લોરે તેની રિધમ ગુમાવી હતી. તેના પછી કોઈપણ બેટ્સમેન ખાસ કશું કરી શક્યો ન હતો. જો કે રોયલ ચેલેન્જ બેંગ્લોરની ટીમ ઓલઆઉટ પણ થઈ ન હતી, છેવટે તે 7 વિકેટે 120 જ રન કરી શકી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી સંદીપ શર્મા અને જેસન હોલ્ડરે બે-બે, નટરાજન, નદીમ અને રાશીદ ખાને એક-એક વિકેટ ઝડપી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદે કેપ્ટન વોર્નરના સ્વરૂપમાં પ્રથમ વિકેટ દસ રને જ ગુમાવી હતી. તેના પછી સાહા અને પાંડેએ  હૈદરાબાદના વિજયનો પાયો નાખી દીધો હતો. સાહાએ 32 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 અને પાંડેએ 19 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 26 રન કર્યા હતા. જ્યારે જેસન હોલ્ડરે 10 બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 26 રન કર્યા હતા. હોલ્ડરે વિજયી છગ્ગો ફટકાર્યો હતો. હૈદરાબાદે ફક્ત 14.1 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 8.54ના રનરેટે આ મેચ જીતી લીધી હતી. આરસીબી તરફથી ચહલે બે, ઉદાના, સુંદર અને સૈનીએ એક-એક વિકેટ ઝડપી હતી.

(12:00 am IST)