Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

મહિલા એશિયા કપમાં ભારતની વિજયી શરૂઆત : શ્રીલંકાને 41 રનથી હરાવ્યું

ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 156 રન બનાવ્યા: જવાબમાં શ્રીલંકાની ટીમ 18.2 ઓવરમાં માત્ર 109 રનમાં ઓલઆઉટ: જેમિમા રોડ્રિગ્સે 76 રન ફટકાર્યા

મહિલા એશિયા કપમાં ભારતીય મહિલા ટીમે જીત સાથે શરૂઆત કરી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપમાં શ્રીલંકાને 41 રનથી હરાવીને શાનદાર જીત મેળવી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કમાલનું પ્રદર્શન કર્યું હતું. ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા. તેના જવાબમાં શ્રીલંકાની ટીમ 18.2 ઓવરમાં માત્ર 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે પહેલા જેમિમા રોડ્રિગ્સે 76 રનની શાનદાર ઈનિંગ રમી અને ત્યારબાદ દયાલન હેમલતા, દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકરે બોલિંગ કમાલની કરી હતી. હેમલતાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ત્યારે દીપ્તિ અને પૂજાને બે-બે સફળતા મળી. 

બાંગ્લાદેશના સિલહટમાં મહિલા એશિયા કપ 2022ના પહેલા દિવસે શનિવારે 1 ઓક્ટોબરે ભારત અને શ્રીલંકા તેમની પ્રથમ મેચમાં એકબીજા સાથે ટકરાયા હતા. ઈંગ્લેન્ડમાં વનડે સીરીઝમાં ક્લીન સ્વીપ કરીને મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયા જોરદાર બેટિંગ કરશે તેવી આશા હતી, પરંતુ એવું થયું નહીં અને તેનો શ્રેય શ્રીલંકાની શાનદાર ફિલ્ડિંગને આપવો જોઈએ.

 

ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ મોટા શોટ રમવાની કોશિશ કરી હતી, પરંતુ બંને બાઉન્ડ્રી પર કેચ આપીને પરત ફરી હતી. ભારતે 4 ઓવરમાં માત્ર 23 રનમાં બંને વિકેટ ગુમાવી દીધી હતી. આવી પરિસ્થિતિમાં ઈજા બાદ પરત ફરી રહેલી યુવા બેટ્સમેન જેમિમા રોડ્રિગ્ઝ અને શાનદાર ફોર્મમાં રહેલી કેપ્ટન હરમનપ્રીત કૌર પર પ્રેશર આવી ગયું હતું.

બંને બેટ્સમેનોએ શરૂઆતમાં શ્રીલંકાના બોલરોનો સામનો કર્યો અને ત્યારબાદ મોટા શોટ રમીને રન વધારવાનું શરૂ કર્યું. જેમિમાએ ખાસ કરીને બાઉન્ડ્રી મેળવવા માટે શ્રીલંકાના સ્પિનરો સામે સ્વીપ શોટનો સારો ઉપયોગ કર્યો. જેમિમાએ તેની આઠમી ટી 20 ફિફ્ટી 38 બોલમાં ફટકારી હતી.

જેમિમા અને કૌર વચ્ચે 92 રનની ભાગીદારી થઈ હતી. જેમિમાએ પોતાના કરિયરની સૌથી મોટી ઈનિંગ્સ રમી અને ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી. શ્રીલંકાએ છેલ્લી 3 ઓવરમાં સારી વાપસી કરી હતી અને ભારતને મોટા શોટ રમવા દીધા ન હતા, જેના કારણે ટીમ 6 વિકેટના નુકસાન પર 150 રન જ બનાવી શકી હતી.

(7:11 pm IST)