Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

સલમાન ખાનના ડુપ્લીકેટ સાગર પાંડેને રાજૂ શ્રીવાસ્તવની જેમ જીમમાં હાર્ટએટેક આવ્યોઃ મોત

સલમાન ખાને દુઃખ વ્યકત કર્યું: સાગરે દબંગ, પ્રેમ રતન ધન પાયો,ટ્યુબલાઇટ જેવી ફિલ્મોમાં સલમાન માટે બોડી ડબલ તરીકે કર્યુ હતું કામઃ બીગ બોસ શોમાં પણ જોવા મળ્યો હતો

મુંબઇ તા. ૧: ફિલ્મ યુનિટમાં એકટર્સના બૉડી ડબલ તરીકે કામ કરનારા કલાકારોની પણ એક મહત્વની ભૂમિકા હોય છે. કેટલાક એકટર્સના સીન્સ, સ્ટન્ટ્સ અને એકશન સીન્સ તેમના બોડી ડબલ એટલે કે ડુપ્લીકેટ દ્વારા ભજવવામાંઆવતાં હોય છે. સલમાન ખાન માટે બોડી ડબલનું કામ કરતાં સાગર પાંડેનું કોમેડીયન રાજૂ શ્રીવાસ્તવની જેમ જીમમાં કસરત કરતી વખતે હાર્ટએટેક આવી જતાં મૃત્યુ નિપજતાં સલમાન ખાન અને તેની ટીમે ખુબ જ દુઃખ વ્યકત કર્યુ છે.

મોટા પડદા પર સાગર પાંડે હૂબહૂ સલમાન ખાન જેવો દેખાતો હતો. સલમાન ખાનના બોડી ડબલ સાગર પાંડે શુક્રવારે બપોરે જિમમાં કાર્ડિયો કરી રહ્યા હતા ત્યારેે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યા હતો. તેમને તાત્કાલિક તેમને જિમના બે ઇન્સ્ટ્રકટર હોસ્પિટલે લઇ ગયા, પરંતુ ત્યાં તેને ડોકટરે મૃત જાહેર કરતાં શોક છવાઇ ગયો હતો. સાગર પાંડેના નજીકના મિત્ર આરિફ ખાને કહ્યું કે, સાગર પાંડે છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એકિટવ હતા. મારી સાથે જ તેમણે પોતાનું કરિયર શરૃ કર્યું હતું. પહેલી ફિલ્મ પણ અમારા બંનેની સાથે હતી. અત્યાર સુધીની સફરમાં અમે બંનેએ અનેક શોઝ એક સાથે કર્યા હતાં. અમે જીમમાં શુક્રવારે સવારે અગિયારેક વાગ્યે જાગીને કાર્ડીયો કરવા ગયા હતાં ત્યારે રાજૂ શ્રીવાસ્તવનીજેમ જ સાગરની સાથે બની ગયું હતું.

સલમાન ખાને દુઃખ વ્યકત કર્યુ

સલમાન ખાનની સાથે સાગર પાંડેએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. સલમાન ખાને દુઃખ વ્યકત કરી સાગર સાથેનો ફોટો શેર કર્યો છે. તેની સાથે જ ફોટો પર ટૂટેલુ દિલ બનાવ્યું છે. સલમાન ખાને કેપ્શનમાં લખ્યું, મારી સાથે રહેવા માટે દિલથી આભાર વ્યકત કરી રહ્યો છું. જેમાં બજરંગી ભાઈજાન, ટ્યૂબલાઇટ, પ્રેમ રતન ધન પાયો, દબંગ, દબંગ ૨ અને ટીવી શો બિગ બોસ પણ સામેલ છે. સાગર પાંડે સ્ટેજ શો કરવા સિવાય બીજા દેશોમાં પણ શોમાં પરફોર્મ કરતા હતા.

(11:47 am IST)