Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

PM મોદીએ રાજસ્‍થાનની રેલીમાં લાઉડસ્‍પીકરના નિયમોનું પાલન કર્યું: જનસભાને સંબોધ્‍યા વિના પરત ફર્યા

વડાપ્રધાન ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ આબુ રોડ પહોંચ્‍યા હતા

જયપુર,તા. ૧: વડાપ્રધાન મોદીએ રાજસ્‍થાનના સિરોહી જિલ્લાના આબુ રોડ ખાતે મોડા આવવાને કારણે જાહેર સભાને સંબોધિત કરી ન હતી. આ માટે લોકો પ્રત્‍યે ખેદ વ્‍યક્‍ત કરતા મોદીએ કહ્યું કે તેઓએ લાઉડસ્‍પીકર સંબંધિત નિયમોનું પાલન કરવું પડશે. પીએમ મોદીએ માઈક વિના પોતાના સંબોધનમાં કહ્યું, હું તમારા બધાની માફી માંગુ છું પરંતુ તમને ખાતરી આપું છું કે હું ફરીથી અહીં આવીશ અને તમારા આ પ્રેમનું વ્‍યાજ સાથે વળતર આપીશ.

રાત્રે ૧૦.૨૦ કલાકે ગુજરાતના અંબાજીથી આબુ રોડ પહોંચેલા વડાપ્રધાને માઈક વગર જનમેદનીને સંબોધતા કહ્યું, ‘મારે પહોંચવામાં મોડું થયું છે. દસ વાગી ગયા છે.. મારો આત્‍મા કહે છે કે મારે કાયદા અને શાસનનું પાલન કરવું જોઈએ અને તેથી જ હું તમારા બધાની માફી માંગુ છું.' સંબોધન પછી, તેમણે મંચ પરથી ત્રણ વાર જનતા સમક્ષ પ્રણામ કર્યા અને ‘ભારત માતા કી જય' ના નારા લગાવ્‍યા જે લોકોએ પુનરાવર્તિત કર્યા.

આ પહેલા જયારે વડાપ્રધાન મોદી આબુ રોડ પહોંચ્‍યા ત્‍યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્‍યક્ષ સતીશ પુનિયાએ સાફા પહેરાવીને તેમનું સ્‍વાગત કર્યું હતું. આ પ્રસંગે કેન્‍દ્રીય જલ શક્‍તિ મંત્રી ગજેન્‍દ્ર સિંહ શેખાવત, પૂર્વ મુખ્‍યમંત્રી વસુંધરા રાજે, સાંસદ દેવજી પટેલ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ગુલાબચંદ કટારિયા અને અન્‍ય અધિકારીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા.

સિરોહી, ડુંગરપુર, બાંસવાડા, ચિત્તોડગઢ, પ્રતાપગઢ, બાંસવાડા, પાલી, ઉદયપુર અને આજુબાજુના ૪૦ વિધાનસભા મતવિસ્‍તારોમાંથી પાર્ટીના કાર્યકરોને રેલી માટે બોલાવવામાં આવ્‍યા હતા. ગુજરાત સરહદને અડીને આવેલા દક્ષિણ રાજસ્‍થાનમાં પાર્ટીના કાર્યકરોનું મનોબળ વધારવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કોંગ્રેસ શાસિત રાજસ્‍થાનમાં આગામી વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વડાપ્રધાન ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ આબુ રોડ પહોંચ્‍યા હતા.

(9:50 am IST)