Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

જાપાન પોતાના નાગરિકોને કોરોનાની રસી વિનામૂલ્યે આપશે

ટોકયો,તા. ૧: જાપાનીઝ સરકાર એના તમામ નાગરિકોને વિના મૂલ્યે નોવેલ કોરોના વાઇરસની રસી આપવા માટે પ્લાનિંગ કરી રહી છે. નોંધપાત્ર છે કે, આ પહેલાં ઓસ્ટ્રેલિયાની સરકારે પણ જાહેર કર્યું હતું કે, એ એના નાગરિકો માટે વેકિસનની કોઈ કિંમત રાખશે નહીં. અત્યારે જાપાન અને દુનિયાભરમાં વિકસાવવામાં આવી રહેલી કોરોનાની રસીના પૂરતા પુરવઠા માટે જાપાનીઝ સરકાર આવતા વર્ષે જૂનના અંત સુધીમાં ખર્ચ માટેનું ભંડોળ ઊભું કરશે.

જાપાન એના અનામત ભંડોળમાંથી ૬૭૦ અબજ જાપાનીઝ યેન ખર્ચ કરશે. આવતા અઠવાડિયાની શરૂઆતમાં આરોગ્ય મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ફ્રીમાં કોરોનાની રસી પૂરા પાડવાની નીતિ જાહેર કરાશે. કોવિડ-૧૯ની રસી તૈયાર થયા બાદ તરત જ એ નાગરિકોને ઉપલબ્ધ કરાવી શકાય એવા ઉદ્દેશની સાથે ફ્રીમાં રસી પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાની રસી તૈયાર કરવામાં અમેરિકા અને બ્રિટન અત્યારે સૌથી આગળ છે ત્યારે જાપાનીઝ સરકારે અમેરિકન કંપની ફાઇઝર અને બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકા પીએલસી પાસેથી રસીના પુરવઠા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આઠમી સપ્ટેમ્બરે કેબિનેટ મિટિંગમાં રસી મેળવવા માટે અનામત ભંડોળનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. કોરોનાની રસી વહેલામાં વહેલા આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ જશે એમ માનીને જાપાનીઝ સરકાર કોરોનાની રસી પૂરી પાડવા માટે જરૂરી વ્યવસ્થાતંત્ર તૈયાર કરી રહી છે. સરકાર વધુ રસી મેળવવા માટે નાણાકીય વર્ષ ૨૦૨૧ માટેના એના ડ્રાફ્ટ બજેટમાં વધારાનું ભંડોળ ફાળવવાનું પણ આયોજન કરી રહી છે.

(2:42 pm IST)