Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કોરોના બોંબ

દિલ્હી, પંજાબ, કેરળમાં બીજી લહેર : દશેરા-દિવાળીમાં ફૂટી શકે છે

દેશ માટે આવનારા કેટલાક મહિનાઓ કોરોના વાયરસના ખતરાને લઇને મહત્વના સાબિત થશે : તહેવારોમાં લોકોને સાવચેતી રાખવા સલાહ : શિયાળામાં વધુ કાળજી રાખવી પડશે : માસ્ક પહેરવા જરૂરી છે : ભીડથી પણ દુર રહેવું જરૂરી છે : ધીરજ અને શાંતિથી તહેવારો પસાર કરવા પડશે

નવી દિલ્હી તા. ૧ : દેશમાં આજથી અનલોક-૫ ની શરૂઆત થઇ છે. આ વખતે સિનેમાઘરોને પણ ૫૦% ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી મળી છે. જોકે કેરલ અને પંજાબમાં કોરોનાના વધતા કેસોએ ટેન્શન ઉભુ કર્યું છે. નિષ્ણાંતો તેણે આ જીવલેણ વાયરસનો બીજો વેવનો ખતરો ગણાવી રહ્યા છે અને શંકા વ્યકત કરી રહ્યા છે કે આનાથી આવી રહેલા તહેવારોની સિઝનમાં મુશ્કેલી વધી શકે છે.

પાટનગર દિલ્હી અને કેરળમાં નવા કેસ વધ્યા છે. દિલ્હીમાં કોરોનાનો પહેલો પીક જુનમાં જોવા મળ્યો હતો હવે રોજ સરેરાશ નવા ત્રણ હજાર કેસ આવે છે. જુલાઇના પ્રારંભમાં અને અંતમાં કેસોની સંખ્યા ઘટવી શરૂ થઇ હતી તે વખતે રોજ એક હજાર કેસ સામે આવતા હતા. જો કે ઓગસ્ટના મધ્યથી દિલ્હીમાં રોજ કેસની સંખ્યા ધીમેધીમે વધતી ગઇ અને ૯ સપ્ટેમ્બરે ૪૦૩૯ નવા કેસ સામે આવ્યા હતા. એ સાથે કુલ કેસ અઢી લાખને પાર કરી ગયા હતા. ગઇકાલે નવા ૩૮૨૭ નવા કેસ આવ્યા હતા. નિતી આયોગના સભ્ય વી.કે.પોલ કહે છે કે, અમે દિલ્હી, પંજાબ અને કેરળમાં બીજી પીકને નિહાળી રહ્યા છીએ.

આ જ રીતે કેરળમાં પણ નવા કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં નવા કેસ ઘટી ગયા હતા પરંતુ ૧૬ થી ૨૨ વચ્ચે ત્યાં પણ કેસ વધવા લાગ્યા અને ૨૩ થી ૨૯ સપ્ટેમ્બરના સપ્તાહમાં રાજ્યમાં ૫૮૯૮ નવા કેસ સામે આવ્યા. સારી વાત એ છે કે, કોરોનાએ જે રાજ્યોમાં ઉપાડો લીધો હતો તે મહારાષ્ટ્ર, યુપી, કર્ણાટક અને આંધ્રમાં કેસ ઘટી રહ્યા છે. અન્ય રાજ્યોમાં પણ આવી જ છે.

પંજાબમાં મંગળવાર સુધી ૧૬૮૨૪ એકટીવ કેસ હતા. રાજ્યના પાંચ મુખ્ય શહેરોથી સૌથી વધુ નવા કેસ નોંધાયા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩૩૫૯ થયો છે. મંગળવારે ૧૧૦૦ નવા કેસ આવ્યા એ સાથે જ કુલ કેસ ૧,૧૩,૪૬૦ થયા.

નિષ્ણાંતો કહે છે કે આવતા કેટલાક મહિના મહત્વના છે. પોલનું કહેવું છે કે, અમે શરૂઆતમાં જ લોકડાઉન કરી દીધું હતું. એ સમયે આશંકા હતી કે કોરોનાનું પીક જુનમાં આવી શકે છે પરંતુ શિયાળામાં શ્વાસની તકલીફ વધી શકે છે તેથી વધુ સાવચેત રહેવાની જરૂર છે.

પબ્લીક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કે. શ્રીનાથ રેડ્ડીનું કહેવું છે કે નવરાત્રી, દુર્ગા પુજા, છઠ્ઠ, દિવાળીના તહેવારોમાં લોકો માસ્ક પહેરે, વધુ સાવચેત રહેવાની જરૂર છે. તહેવારો સાવચેતી સાથે મનાવા પડશે. ઇન્ડોર કે આઉટડોરમાં આ વાયરસથી વધુ લોકોને ઓછા સમયમાં સંક્રમિત કરવાની તક મળશે. ભીડથી બચવું જોઇએ અને આ વર્ષને ધીરજ અને શાંતિથી પસાર થવા દેવું જોઇએ. આનું ઇનામ આપણને એ મળશે કે આવતા વર્ષ સુધીમાં વાયરસમાં પર વિજય મેળવી શકાશે.

(3:08 pm IST)