Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

અનિલ દેશમુખના જમાઈ ડો.ગૌરવ ચતુર્વેદીને CBI એ કસ્ટડીમાં લીધા: પૂછપરછ બાદ મુક્ત

દેશમુખના પરિવારે ડો.ચતુર્વેદીનુ અપહરણ થયાનો આરોપ લગાવ્યો:ડો.ચતુર્વેદી અને તેમના વકીલને કોઈ માહિતી આપ્યા વગર કસ્ટડીમાં લીધા

મુંબઈ :  મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના જમાઈ ડો.ગૌરવ ચતુર્વેદીને સીબીઆઈએ કસ્ટડીમાં લીધા હતા. પરંતુ દેશમુખના પરિવારે ડો.ચતુર્વેદીનુ અપહરણ થયાનો આરોપ લગાવ્યો છે. દેશમુખ પરિવારનો આરોપ છે કે ડો.ચતુર્વેદી અને તેમના વકીલને કોઈ માહિતી આપ્યા વગર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

હવે ડો.ગૌરવ ચતુર્વેદીને CBI દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. પણ આ પહેલા સીબીઆઈએ તેમની 20 મિનિટ સુધી પૂછપરછ કરી હતી. છોડતાં પહેલા એમ પણ કહેવામાં આવ્યું હતું કે જરૂર પડશે તો ફરી પૂછપરછ કરવામાં આવશે. તેમના વકીલની પૂછપરછ ચાલુ છે.

દેશમુખના પરિવારનો આરોપ છે કે આ પ્રકારની તપાસ અને પૂછપરછ માટે પહેલાં નોટિસ આપવામાં આવે છે. પરંતુ સીબીઆઈ દ્વારા આવી કોઈ નોટિસ આપવામાં આવી નથી. આ પહેલાં, અનિલ દેશમુખની પુત્રવધૂ રાહત દેશમુખે આરોપ લગાવ્યો હતો કે તેના વરલી સ્થીત ઘરની નીચે 8 થી 10 લોકો સાદી વર્દીમાં ઈનોવા કાર લઈને આવ્યા અને ડૉ. ચતુર્વેદીને પોતાની સાથે લઈ ગયા.

તેઓ ક્યાં ગયા તેની કોઈ જાણકારી ન હતી. તેમનો ફોન પણ લાગતો ન હતો. કારણ કે તેમને સાથે લઈ જતા પહેલા તેઓએ ડો.ચતુર્વેદીનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો.

સીબીઆઈ અધિકારીઓએ 20 -22 મિનિટની પુછતાછ પછી ડૉ. ચતુર્વેદીને છોડી દીધા હતા. જો કે , આ પહેલા દેશમુખના જણાવ્યા અનુસાર તે અને તેમનો પરીવાર ડૉ. ચતુર્વેદીને શોધી રહ્યા હતા. તે આ ઘટનાને લઈને વરલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવા માટે પણ પહોચ્યા હતા. આ ઘટના સાંજે 6 વાગે બની હતી.

(1:14 am IST)