Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

સંઘના હેડ ક્વાર્ટરમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે અને મોહન ભાગવત વચ્ચે બેઠક યોજાઈ

RSS ના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારના જન્મસ્થળની પણ મુલાકાત લીધી હતી

નાગપુર :આરએસએસ હેડક્વાર્ટરમાં સાંજે 4થી 5 વાગ્યે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે અને મોહન ભાગવત વચ્ચે બેઠક યોજાઈ હતી. જોકે કઈ બાબતને લઈને બેઠક બોલાવવામાં આવી હતી તે જાણી શકાયુ નથી.

,બોબડે RSS સંઘના વડાને મળ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ સિવાય શરદ બોબડેએ મહેલ વિસ્તારમાં RSS ના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારના જન્મસ્થળની પણ મુલાકાત લીધી હતી. કેબી હેડગેવારનું આ ઘર 100 વર્ષથી વધુ જૂનું છે. સંઘના એક અધિકારીના જણાવ્યા અનુસાર,” શરદ બોબડે ચકાસવા માટે આવ્યા હતા કે આ ઘરની સંભાળ કેવી રીતે રાખવામાં આવી રહી છે. ”

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે નાગપુરના રહેવાસી છે. તેમણે ઘણા વર્ષોથી અહીં પ્રેક્ટિસ કરી છે. બોબડે એપ્રિલ 2021 માં મુખ્ય ન્યાયાધીશ પદેથી નિવૃત્ત થયા. અને હાલ તે દિલ્હી અને નાગપુરમાં સમય વિતાવી રહ્યા છે. તેઓ ભારતના 47 મા મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા. કાર્યકાળ દરમિયાન તેમણે અયોધ્યા ચુકાદા સહિત ઘણા મહત્વપૂર્ણ કેસોમાં ચુકાદા આપ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈ જે શરદ બોબડે પહેલા મુખ્ય ન્યાયાધીશ હતા, તેમને પણ તાજેતરમાં જ ભાજપ તરફથી રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા છે.તેથી RSSના વડા અને શરદ બોબડે વચ્ચેની બેઠક હાલ ચર્ચાનો વિષય બની છે. જો કે આ બેઠક અંગે RSSનાં પદાધિકારીઓએ કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો.

,શરદ બોબડેનો જન્મ 24 એપ્રિલ 1956 ના નાગપુરમાં જ થયો હતો. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી જ LLBની ડિગ્રી પૂર્ણ કરી હતી. 1978 માં તેઓ બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રના સભ્ય બન્યા હતા, જસ્ટિસ બોબડેએ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં ઘણાં વર્ષો સુધી પ્રેક્ટિસ પણ કરી હતી.

(12:18 am IST)