Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

નારદા સ્ટિંગ કેસમાં ઇડીએ ચાર્જશીટ દાખલ કરી મંત્રી સહીત TMC ના ચાર નેતાઓના નામ સામેલ

ટીએમસીના ફિરહાદ હકીમ, મદન મિત્રા, સુબ્રત મુખર્જી, સોવન ચેટર્જીના નામ ઉપરાંત IPS અધિકારી S.M.H. મિર્ઝાનું નામ પણ સામેલ

નવી દિલ્હી :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ નારદા સ્ટિંગ કેસમાં પોતાની ચાર્જશીટ દાખલ કરી છે. ખાનગી મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ચાર નેતાઓ – ફિરહાદ હકીમ, મદન મિત્રા, સુબ્રત મુખર્જી, સોવન ચેટર્જીના નામ પણ ચાર્જશીટમાં સામેલ છે. ચાર્જશીટમાં IPS અધિકારી S.M.H. મિર્ઝાનું નામ પણ સામેલ છે.ચાર્જશીટ પછી આ હાઇ-પ્રોફાઇલ કેસ વધુ રાજકીય રંંગ પકડી શકે છે.

ED એ મની લોન્ડરિંગ કેસમાં આરોપીઓને કડક સજા આપવાની કોર્ટ સમક્ષ માગ કરી છે. કોર્ટમાં ED એ લાંચ લેવા સંબંધિત કબૂલાતની વાત પણ કરી છે. ED એ કહ્યું કે, આરોપીઓ સરકારી કર્મચારી અને મંત્રી હોવા છતાં એક કંપનીની તરફેણ કરવા માટે લાંચ લીધી હતી. મની લોન્ડરિંગ દ્વારા લાંચની રકમ વ્હાઇટ મનીમાં ફેરવાઈ હતી.

એક ખાસ કોર્ટે બુધવારે પશ્ચિમ બંગાળના મંત્રીઓ સુબ્રત મુખર્જી અને ફિરહાદ હકીમ ઉપરાંત ત્રણ અન્યને નારદા સ્ટિંગ ટેપ કેસમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઇડીની ફરિયાદની નોંધ લેતા સમન્સ આપવાનો આદેશ આપ્યો છે. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશે આરોપીને 16 નવેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો હતો.

બે મંત્રીઓ અને તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રા ઉપરાંત કોલકત્તાના પૂર્વ મેયર સોવન ચેટર્જી અને સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી એસએમએચ મિર્ઝાનું નામ પણ સામેલ છે.

 

કોર્ટે નિર્દેશ આપ્યો કે મુખર્જી, હકીમ અને મિત્રાને પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષની કચેરી દ્વારા સમન્સ મોકલવામાં આવે. કારણ કે ત્રણેય ધારાસભ્યો છે. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સમન્સ અન્ય બેને સીધા તેમના સરનામે મોકલવામાં આવે.

બે વર્ષથી વધુ સમયથી પશ્ચિમ બંગાળમાં નારદા સમાચારના સ્થાપક મેથ્યુ સેમ્યુઅલ દ્વારા નારદા સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેમ્યુઅલે એક કાલ્પનિક કંપની બનાવી અને મદદ માટે ઘણા TMC મંત્રીઓ, સાંસદો અને રાજકારણીઓનો સંપર્ક કર્યો. તેમાંથી ઘણા ટીવી ફૂટેજમાં પૈસા લેતા જોવા મળ્યા હતા. આ વર્ષે મે મહિનામાં સીબીઆઈએ નારદ લાંચ કેસમાં ફિરહાદ હકીમ, સુબ્રત મુખર્જી, મદન મિત્રા અને સોવન ચેટર્જીની ધરપકડ કરી હતી.

કોલકાતામાં આ ધરપકડ વચ્ચે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સખત પ્રતિકાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓ રાજકીય દ્વેષ હેઠળ કામ કરી રહી છે. ટીએમસીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રીય એજન્સીઓ માત્ર આ કેસમાં તેના પક્ષના નેતાઓ સામે કાર્યવાહી કરી રહી છે, જ્યારે અન્ય સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

(10:41 pm IST)