Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

દિલ્હીમાં 19 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ : મોટાભાગના રસ્તા જળબંબાકાર: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદે દિલ્હી NCRના હાલ બેહાલ કરી દીધા

દિલ્હી : દિલ્હીમાં વરસાદે 19 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે , ધોધમાર વરસાદને કારણે દિલ્હીના ઘણાં સ્થળો જળબંબાકાર બન્યા છે ધોધમાર વરસાદને કારણે દિલ્હીના ઘણાં સ્થળો જળબંબાકાર થયા હતા.

દિલ્હીની ટ્રાફિક પોલીસ મુજબ, રિંગ રોડ હયાત હોટલ, સાવિત્રી ફ્લાઈ ઓવરની બંને બાજુ મહારાની બાગ નિઝામુદ્દીન ખટ્ટા, કેરિજવે ધોળા કુવાથી 11 મુર્તિ, આનંદ પર્વત ગલી નંબર 10, એસપી માર્ગથી આરએમએલ માર્ગ, પુલ પહ્લાદપુર અંડરપાસ, રેલવે હાઈવે, વિજ્ઞાન ભવનની પાસે મોતીલાલ નહેરૂ માર્ગ, મૌલાના આઝાદ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા.

સોશિયલ મીડિયા યૂઝર્સે મંગળવારે પડેલા ભારે વરસાદની અમુક તસ્વીરો અને વીડિયો શેર કર્યા છે. આવો એક વીડિયો શેર કરી ટ્વિટર યૂઝર્સે કેજરીવાલ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. એક વીડિયોમાં પ્રતિત થઈ રહ્યું છે કે ફ્લાયઓવર પરથી પાણી નીચે કાર પર પડી રહ્યું છે. વીડિયો શેર કરી ટ્વિટર યૂઝર્સે લખ્યું, અમને દિલ્હીમાં એક ઝરણુ મળ્યું છે. અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો. જેમણે દિલ્હીમાં નાયગ્રા ધોધ બનાવ્યો.

2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદે દિલ્હી NCRના હાલ બેહાલ કરી દીધા છે. મંગળવારે પડેલા ભારે વરસાદે દિલ્હી NCRમાં ભાગ્યે જ કોઇ વિસ્તાર બાકી રાખ્યો હશે કે જ્યાં વરસાદી પાણી એકઠું ન થયું હોય. રાજધાની અને NCRમાં પાણી ભરાયેલા રસ્તાઓમાં અનેક દુર્ઘટનાઓ સર્જાઇ જેનો ભોગ લોકો બન્યા. જોકે હવામાન વિભાગે લોકોને ભારે વરસાદ અંગે અગાઉથી જ ચેતવ્યાં હતા. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે.જેનામણીએ કહ્યું કે દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં આ પાંચમી વખત સૌથી વધુ વરસાદ છે. છેલ્લાં 27 કલાકમાં આશરે 19-20 સેમી વરસાદ, સપ્ટેમ્બરમાં પડતા 19 વર્ષનો દિલ્હીનો રેકોર્ડ બ્રેક કર્યો છે. જેના લીધે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.

દિવસની શરૂઆત સારા વરસાદથી થઈ અને આખો દિવસ લગભગ 11.2 સેમી જેટલો વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે દિલ્હીનું મહત્તમ તાપમાન સામાન્યથી 5 ડિગ્રી ઓછુ એટલે કે 28.9 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનત્તમ 25.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 77થી 100 ટકા નોંધાયું.

(10:05 pm IST)