Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

તિહાર જેલમાંથી સુકેશ જેકલીન ફર્નાન્ડિસને કરતો હતો ફોન : મોંઘા ફૂલો અને ચોકલેટ પણ ભેટ તરીકે મોકલતો

મની લોન્ડરિંગ કેસમાં ED એ બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસની પાંચ કલાક પૂછપરછ કરી

200 કરોડ રુપિયાના મની લોન્ડરિંગ કેસમાં ED એ સોમવારે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસની પૂછપરછ કરી હતી. ED એ જેકલીન સાથે પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ બાબતમાં સતત ઘટસ્ફોટ થાય છે. મળતી માહિતી મુજબ, તિહાર જેલમાંથી 200 કરોડની ખંડણી વસૂલનાર સૌથી મોટો છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર જેકલીન ફર્નાન્ડિસને જેલની અંદરથી જ ફોન કરતો હતો.

એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુકેશ ચંદ્રશેખર તિહાર જેલની અંદરથી કોલ સ્પૂફિંગ દ્વારા જેકલીનને ફોન કરતો હતો, પરંતુ તે પોતનું નામ બદલીને વાત કરતો હતો. સુકેશ પોતાને મોટા અમલદાર અને મોટા રાજકારણીના નજીકના તરીકે ઓળખાવતો હતો, જેના કારણે જેક્લીન તેની જાળમાં ફસાઈ ગઈ હતી.

એજન્સીના જણાવ્યા અનુસાર, જ્યારે જેકલીન સુકેશનાં જાસામાં આવા લાગી ત્યારે તેણે તેમને મોંઘા ફૂલો અને ચોકલેટ પણ ભેટ તરીકે મોકલવાનું શરૂ કરી દિધુ હતું. જેકલિનને જરા પણ ખ્યાલ નહોતો કે આ બધું તિહાર જેલમાં બંધ ભારતનો સૌથી નિપુણ ઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

તપાસ એજન્સીઓને સુકેશના બે ડઝનથી વધુ કોલ રેકોર્ડ મળ્યા છે, જેના આધારે જેકલીન સાથે છેતરપિંડી થઈ હોવાનું એજન્સીઓને જાણવા મળ્યું છે. આ સાથે, બોલીવુડની અન્ય એક મહિલા સેલિબ્રિટી, જેમણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે, તેમને પણ સુકેશે તિહાર જેલમાંથી કોલ સ્પૂફિંગ દ્વારા નિશાન બનાવ્યા હતા.

 

ED ના સૂત્રોએ જણાવ્યું છે કે જેકલીન 200 કરોડની છેતરપીંડીમાં સામેલ નહોતી, પરંતુ તે પોતે છેતરપિંડીનો શિકાર બની હતી. આ વર્ષે સુકેશની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે જ સુકેશ પર જેલમાંથી જ બેસીને 200 કરોડની વસૂલાતનું મોટું રેકેટ ચલાવવાનો આરોપ છે. જેકલીન સાક્ષી બન્યા બાદ જ આ કેસ વધુ મજબૂત બનતો જણાય છે.

 

દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા એટલે કે EOW ની ટીમ કેન્દ્રીય તપાસ એજન્સી ED ના સંપર્કમાં છે. EOW ટૂંક સમયમાં જ સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના મારિયા પોલને પૂછપરછ માટે બોલાવશે. EOW એ સુકેશના 4 દિવસના રિમાન્ડ રેનબેક્સીનાં પૂર્વ પ્રમોટર માલવિંદર મોહન સિંહની પત્નીની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં લીધા છે.

(9:47 pm IST)