Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

૩૨ વર્ષ પૂર્વે ઉચાપતમાં દોષિત કન્ડક્ટરને નોકરી ન રાખી શકાય

મદ્રાસ હાઈકોર્ટ દ્વારા વર્ષો બાદ પણ કન્ડક્ટરને રાહત ન મળી : ઈશ્યુ થયેલી ટિકિટને ફરી ઈશ્યુ કરી ૩૧ રૂપિયાની ગોલમાલ કરી હતી જેથી નોકરીમાંથી હાંકી કઢાયો હતો

મદુરાઈ, તા.૧ : ૩૧ રુપિયાની ઉચાપતમાં દોષિત ઠરેલા બસ કન્ડક્ટરને નોકરી પર ના રાખી શકાય તેવો મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. આ કંડક્ટરને આજથી ૩૨ વર્ષ પહેલા નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. તેણે અગાઉ ઈશ્યૂ થઈ ગયેલી ટિકિટને જ ફરી ઈશ્યૂ કરી ૩૧ રુપિયાની ગોલમાલ કરી હતી. જે ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવી જતાં કંડક્ટરે નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે, વર્ષો બાદ પણ તેને હાઈકોર્ટે પણ રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.

કંડક્ટરે તેને નોકરીમાંથી કાઢી મૂકવાના નિર્ણયને પહેલા લેબર કોર્ટમાં પડકાર્યો હતો. જોકે, ત્યાં તેની વિરુદ્ધમાં ચૂકાદો આવ્યો હતો. ત્યારબાદ તેણે હાઈકોર્ટમાં અપીલ કરીને પોતાને નોકરીમાં પરત લેવામાં આવે તેવી માગ કરી હતી. જોકે, કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આઠ વર્ષની સુનાવણીના અંતે અરજદારની વિરુદ્ધમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે ગુનાની ગંભીરતાને જોતા તેમને નોકરી પર પરત લઈ શકાય નહીં.

જસ્ટિસ એસ.એસ. સુંદરે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, ઉચાપતની રકમ ભલે મામૂલી હોય, પરંતુ વિશ્વાસઘાત એક ગંભીર ગણી શકાય તેવી બાબત છે. અરજદારે જે રીતે ગફલત કરી છે તેને ગંભીર ગણી શકાય તેવી છે. જેથી તેમને નોકરી પર પરત લેવાનો કોર્ટ આદેશ આપી શકે તેમ નથી. ૧૯૮૯માં પેસેન્જર બસમાં ફરજ બજાવી રહેલા ચેલ્લાદુરાઈ નામના કંડક્ટરે એકની એક ટિકિટ પેસેન્જરને ફરી આપવાનું ચેકિંગ ઈન્સ્પેક્ટરે પકડી પાડ્યું હતું, અને આમ કરીને કંડક્ટરે ૩૧ રુપિયાની કટકી કરી હતી.

આ ગેરરીતિ બદલ કંડક્ટર ચેલ્લાદુરાઈ સામે ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી હતી. તેના પર મૂકાયેલા આરોપમાં તથ્ય જણાતા ૧૯૯૧માં તેને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. તેણે સરકારના નિર્ણય સામે લેબર કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ ત્યાં તેને રાહત નહોતી મળી.

ત્યારબાદ ૨૦૧૩માં તે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચમાં ગયો હતો. કોર્ટે ચેલ્લાદુરાઈ વિરુદ્ધ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, અરજદાર પોતાની વિરુદ્ધ લાગેલા આરોપ સામે યોગ્ય રીતે ખુલાસો આપી શક્યા નથી. તેવામાં કોર્ટ તેમની વિરુદ્ધ લેવાયેલા શિસ્તભંગના પગલાંમાં કોઈ દખલ ના કરી શકે.

(7:49 pm IST)