Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

જાપાનમાં પેરાઓલમ્પિકમાં ભાગ લઇ હેલા ખેલાડીઓ અને સહાયકોને મોરારીબાપુ તરફથી ૨૧ લાખનું પ્રોત્સાહન

રાજકોટ તા. ૨ : જાપાનમાં અત્યારે પેરા ઓલમ્પિક ખેલ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ મુખ્ય ઓલમ્પિકની રમતો પૂરી થયા બાદ પેરાઓલમ્પિક ખેલ મહોત્સવ ચાલે છે જેમાં ભારતમાંથી ૫૦ સ્પર્ધકો અને ૫૪ અન્ય વ્યકિતઓ જેમાં વિવિધ રમતો માટેના કોચ, મેનેજર અને અન્ય સહાયક વ્યકિતઓ થઈ કુલ ૧૦૪ લોકો ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહેલા કુલ ૫૦ સ્પર્ધકોને મોરારિબાપુ તરફથી પ્રત્યેકને રૂપિયા ૨૫ હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે. જેની કુલ રકમ ૧૨ લાખ ૫૦ હજાર થાય છે. એ જ પ્રમાણે આ સ્પર્ધકોના કોચ, મેનેજર અને અન્ય સહયોગીઓ કે જેની કુલ સંખ્યા ૫૪ જેટલી છે તેમને પ્રત્યેકને રૂપિયા ૧૫ હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે જેની કુલ રકમ ૮ લાખ ૧૦ હજાર થાય છે. ખેલાડીઓ અને તેના સહયોગીઓને અપાનારા પ્રોત્સાહનની કુલ રાશી ૨૧ લાખ થાય છે. ઓલમ્પિક ખેલ સમિતિ પાસેથી તમામ સ્પર્ધકો અને સહયોગીઓના બેન્કની વિગતો મેળવી આ રકમ જે તે વ્યકિતના બેંક ખાતામાં તબદીલ કરવામાં આવશે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જાપાનમા જે મૂળ ઓલમ્પિક રમતોત્સવ પૂરો થયો તેમાં ભાગ લીધેલા તમામ સ્પર્ધકો, સહયોગીઓને પૂજય બાપુ દ્વારા ૫૭ લાખની પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી તેમ જયદેવ માંકડે જણાવ્યું હતું.

(1:04 pm IST)