Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

સાબરમતી નદીમાં પ્રદૂષણ સામે ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ : નદીમાં ગેરકાયદે પ્રદૂષિત પાણી છોડતા ઔદ્યોગિક એકમો સામે પગલાં લ્યો : દરેક જવાબદારના કાન આમળવાની શરૂઆત હવે આ કોર્ટ દ્વારા કરવામાં આવશે

અમદાવાદ : સાબરમતી નદીના  પ્રદૂષણ સામે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે. તથા ગેરકાયદે પ્રદૂષિત પાણી છોડતા ઔદ્યોગિક એકમો સામે પગલાં લેવાની ચીમકી આપી છે. નામદાર  કોર્ટે જણાવ્યું હતું કે દરેક જવાબદારના કાન આમળવાની શરૂઆત હવે આ કોર્ટ દ્વારા કરવામાં આવશે .

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે આજે એવી ટકોર પણ કરી હતી કે ઉદ્યોગોને માત્ર તેમના દૂષિક કેમિકલ અને કચરાનો નિકાલ થાય તેટલી જ દાનત છે. સુપ્રીમ કોર્ટના આદેશો ટાંકી હવે આ સમસ્યાનું સમાધાન નહીં આવે, દરેક જવાબદારના કાન આમળવાની શરૂઆત હવે આ કોર્ટ દ્વારા કરવામાં આવશે. કોર્ટે વધુ સુનાવણી 14મી સપ્ટેમ્બરના રોજ નિયત કરી છે.

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે એક તરફ આપણે સાબરમતી નદીના તટ પર બનેલા શ્રેષ્ઠ રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું ગૌરવ લઇએ છીએ અને બીજી તરફ તે જ સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પાણી અને અન્ય ગંદકી છોડીને તેને પ્રદૂષિત પણ કરીએ છીએ.

સાબરમતી નદીમાં પ્રદૂષણ સામે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો કાર્યવાહીમાં એમિકસ ક્યુરી (કોર્ટ મિત્ર) તેમજ વિવિધ પક્ષકારોની રજૂઆત સાંભળી ખંડપીઠે નોંધ્યું છે કે તમામ રજૂઆતોના અંતે અમારી સામે જે ચિત્ર આવ્યું છે તે વિચલિત કરનારું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:20 am IST)