Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

પંજાબમાં કપૂરથલામાંથી 100 કરોડની કિંમતનું હેરોઇન ઝડપાયું : સપ્લાયર અને ડીલર જબ્બે

ટ્રક અને કારને આંતરી તપાસ કરવામાં આવતા તેમની પાસેથી 20 કિલોગ્રામ હેરોઇન પકડાયુ: એક-એક કિલોગ્રામના એવા વીસ હેરોઇનના પેકેટ જપ્ત

પંજાબના કપુરથલા જિલ્લામાં બે વ્યક્તિ પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૦૦ કરોડની કિંમતનું વીસ કિલોગ્રામ હેરોઇન પકડવામાં આવ્યું હોવાનું પંજાબ પોલીસે જણાવ્યું હતું.

પકડાયેલા બંનેને જણા સપ્લાયર અને ડીલર છે અને તેમને ઓળખી કાઢવામાં આવ્યા છે. તેમા બલવિન્દર સિંઘ હોશિયારપુરના સારંગવાલ ગામનો છે અને પીટર મસીહ જલંધરના બસ્તી દાનિશમંડા વિસ્તારનો છે. પીટર સામે બે ફોજદારી કેસ નોંધાઈ ચૂક્યા છે.

રાજ્યના ડીજીપી દિનકર ગુપ્તાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસ ટીમે કપૂરથલા ખાતે ચકાસણી દરમિયાન ટ્રક અને કારને આંતરી હતી. આ વાહનોની તપાસ કરવામાં આવતા તેમની પાસેથી 20 કિલોગ્રામ હેરોઇન પકડાયુ હતુ.

આ વાહનોના ડ્રાઇવરાએ ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે તરત જ પકડાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી એક-એક કિલોગ્રામના એવા વીસ હેરોઇનના પેકેટ જપ્ત કર્યા હતા, એમ ડીજીપીએ જણાવ્યું હતું.

કપુરથલાના સિનિયર સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ એચ એસ ખાખે જણાવ્યું હતું કે ટ્રકના ડ્રાઇવરની કેબિનમાં છતની બાજુએ જગ્યા બનાવીને તેમા હેરોઇન ભરી તેને સીલ કરી દેવાઈ હતી. પ્રાથમિક તપાસમાં આરોપીએ જણાવ્યું હતું કે તેણે આ હેરોઇન શ્રીનગરના પુરમારા મંડી ખાતે દાણચોરીથી મેળવ્યુ હતુ. બલવિન્દરસિંઘ તેને ટ્રકમાં લાવ્યો હતો અને પીટર મસિહે તેની પાસેથી કન્સાઇનમેન્ટ મેળવ્યું હતુ.

ડીજીપીએ જણાવ્યું હતું કે નાર્કો-ગેંગસ્ટર એન્ગલની પણ તેમા ચકાસણી કરવામાં આવી રહી છે. આ તપાસ નિર્દેશ કરે છે કે પીટર મસિહને કુખ્યાત ગેંગસ્ટર રજનીશ કુમારના ભાઈ ગગનદીપે કન્સાઇનમેન્ટ લેવા માટે મોકલ્યો હતો. પોલીસને શંકા છે કે જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટરો મોટી ડ્રગ સિન્ડિકેટ ચલાવી રહ્યા છે.

(11:45 pm IST)