Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

મુંબઈના લાલબાગચા રાજા ફરીથી એકવાર બિરાજશે

કોવિડ નિયમો હેઠળ યોજાશે ગણેશોત્સવ : ગયા વર્ષે મુંબઈમાં કોરોનાની સ્થિતિ ઘણી ચિંતાજનક હતી, સંક્રમણના કેસો મોટી સંખ્યામાં આવી રહ્યા હતા

મુંબઈ,તા.૧ : દક્ષિણ મુંબઈમાં આ વખતે ફરી 'લાલબાગચા રાજાલ્લ બિરાજશે. ૯૩ વર્ષ જૂના આ ગણેશોત્સવ આયોજનને આ વર્ષે કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લેતા તમામ નિયમોની સાથે આયોજિત કરવામાં આવશે. ગયા વર્ષે મુંબઈમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ ઘણી ચિંતાજનક હતી. સંક્રમણના કેસો મોટી સંખ્યામાં આવી રહ્યા હતા. એવામાં ગયા વર્ષે મુંબઈમાં લાલબાગચા રાજાના ગણેશોત્સવને બદલે બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.  ગયા વર્ષે બોર્ડે ગણેશોત્સવને સ્થાને ૧૧ દિવસના સ્વાસ્થ્ય કેમ્પ આયોજિત કર્યા હતા. મંડળ તરફથી જાણકારી આપવામાં આવી છે કે આ વખતે ગણેશોત્સવને હેલ્થ ફેસ્ટિવલના રૂપમાં ગણેશચતુર્થીથી લઈને અનંત ચતુર્દશીની વચ્ચે ઉજવવામાં આવશે. આ દરમિયાન ભગવાન ગણેશની મોટી મૂર્તિના બદલે ૩-૪ ફુટની નાની મૂર્તિ સ્થાપવામાં આવશે. ગણેશોત્સવમાં પારંપરિક રીતે પૂજા-પાઠ થશે. આ દરમિયાન અન્ય આયોજન પણ થશે. દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાની ૧૫ ફુટથી મોટી મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને આ દરમિયાન દિગ્ગજ હસ્તીઓ ભગવાન ગણેશના દર્શન કરવા માટે ત્યાં આવે છે. ભગવાન ગણેશને આ દરમિયાન મોટી સંખ્યામાં દાન મળે છે. તેમાં સોનું અને ચાંદી જેવી મૂલ્યવાન ચીજો પણ હોય છે. દર વર્ષે પંડાલમાં ૮૦ હજારથી લઈને એક લાખ ભક્ત આવતા હોય છે. ગયા વર્ષે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નાના પાયે ગણપતિ સમારોહનું આયોજન કરવાનું આહવાન કર્યું હતું અને મંડલોને સામાજિક કાર્યક્રમ શરૂ કરવાનો આગ્રહ કર્યો હતો. આ વર્ષે ૧૦ દિવસનો મહોત્સવ ૨૨ ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. સમીક્ષા બેઠક કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી. તેથી તહેવારને ભવ્યતાની સાથે ઉજવવો શક્ય નહીં હોય. તેમણે કહ્યું હતું કે કોઈ ભીડ કે સરઘસ નહીં યોજાય. બીજી તરફ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ સરકારે સૂચન કર્યું છે કે કોવિડ-૧૯ મહામારીના કારણે લોકોને કોઈ પણ પ્રકારના તહેવાર ઉજવવાની મંજૂરી ન આપવામાં આવે.

(7:35 pm IST)