Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ભાજપના પૂર્વ સહયોગી અકાલી દળની રાષ્ટ્રપતિ ચૂંટણીમાટે ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત

ચંડીગઢમાં અકાલી દળની કોર કમિટીની બેઠક બાદ સુખબીર બાદલે કહ્યું-કૃષિ કાયદા, જેલમાં કેદ શિખો અને અન્ય લોકોને છોડવાના મુદ્દા પર ભાજપ સાથે મતભેદ હોવા છતાં તેમના ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સહયોગી અકાલી દળે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ચંડીગઢમાં અકાલી દળની કોર કમિટીની બેઠક બાદ પાર્ટી પ્રમુખ સુખબીર બાદલે કહ્યું કે, કૃષિ કાયદા, જેલમાં કેદ શિખો અને અન્ય લોકોને છોડવાના મુદ્દા પર ભાજપ સાથે મતભેદ હોવા છતાં પણ અમે તેમના ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. સુખબીરે કહ્યું કે, તેમની પાર્ટી ક્યારેય પણ કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવેલા ઉમેદવારે સમર્થન આપી શકે નહીં. તેમણે કહ્યું કે, અકાલી દળે હંમેશા સમાજના વંચિત વર્ગના લોકોનું સમર્થન કર્યું છે. સમાજના નબળા વર્ગોના લોકોનું સમર્થન કરવું અમારી જવાબદારી છે અને અનુસૂચિત જનજાતિ વર્ગમાંથી આવતા દ્રૌપદી મુર્મુ પણ તેમાંથી એક છે

અહીં ઉલ્લેખનીય છે કે, અકાલી દળની પહેલા તો માયાવતીએ પણ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી ચુક્યા છે. એનડીએને સાથ આપવાની જાહેરાત કરતા માયાવતીએ કહ્યું હતું કે, તે દ્રૌપદી મુર્મૂને સમર્થન એટલા માટે કરી રહી છે કારણ કે, તે આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેની સાથે જ બસપા પ્રમુખે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ઉમેદવારને લઈને વિપક્ષે બસપા સાથે ચર્ચા વિચારણ કરી નથી. બીજૂ જનતા દળ, વાયએસઆર કોંગ્રેસ જેવી પાર્ટીઓ પણ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપ તથા એનડીએ ઉમેદવારને સમર્થન આપશે. ત્યારે આવા સમયે દ્રૌપદી મુર્મૂની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂની ટક્કરમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા સાથે થશે. અટલ બિહારી વાજપેયી નેતૃત્વવાળી સરકારમાં સિન્હા વિદેશ અને નાણામંત્રી રહી ચુક્યા છે. થોડા સમય પહેલા જ ભાજપ સાથે નાતો તોડીને તેઓ ટીએમસીમાં જોડાયા હતા. 

(12:18 am IST)