Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જીએસટીથી કેન્દ્રની આવક વધી રાજ્યોની આવકમાં ફેર ન પડ્યો

રાજ્યો વપરાશકર છે તેમને ફાયદો થશે એવા ઉદ્દેશથી જીએસટી લવાયો હતો : એક અહેવાલમાં જીએસટી છેલ્લા પાંચ વર્ષમાં નિષ્ફળ રહ્યું હોવાનું તારણ

નવી દિલ્હી, તા.૧ : દેશમાં કરવેરાની આવક વધશે અને જે રાજ્યો વપરાશકર છે તેમને ફાયદો થશે એવા બે મહત્વના ઉદ્દેશ સામે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અત્યારસુધીમાં એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં નિષ્ફળ રહ્યું હોવાનું તારણ એક અગ્રણી રિસર્ચ એજન્સીના એક અહેવાલમાં બહાર પડ્યું છે.

કેન્દ્ર સરકાર દર મહીને કરની આવક વધી રહી છે, નવા વિક્રમી સ્તર સિદ્ધ કરી રહી હોવાની વાત કરી રહી છે. કેન્દ્ર સરકાર તેના આઠ વર્ષની કામગીરીમાં એક દેશ, એક ટેક્સ એટલે કે જીએસટીનો અમલ પણ ગણાવી રહી છે પણ ઇન્ડિયા રેટિંગ્સનો આ અહેવાલ આ દાવા ખોટા હોવાનું તાર્કિક કારણો સાથે સાબિત કરી આપે છે.

નાણાકીય વર્ષ ૨૦૧૮થી ૨૦૨૧ વચ્ચે રાજ્ય સરકારોની પોતાની કરની આવકમાં રાજ્ય સ્તરના જીએસટી (એસજીએસટી)નો હિસ્સો ૫૫.૪ ટકા જોવા મળ્યો છે જયારે વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ વચ્ચે આ હિસ્સો ૫૫.૨ ટકા હોવાનું આ અહેવાલ જણાવે છે. અહેવાલ નોંધે છે કે આ બન્ને સમયગાળામાં એસજીએસટી અને એસજીએસટી સિવાયના કરની આવકનું પ્રમાણ પણ મોટાભાગે સરખું જ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત, રાજ્યોના જીએસટીનો સરેરાશ કરની આવક ૬.૭ ટકાના દરે વધી છે જે આગળના સમય ૨૦૧૪થી ૨૦૧૭ના સમયગાળામાં ૯.૮ ટકાના દરે વધેલી જોવા મળે છે. એટલે કે રાજ્યોના પોતાના કરની આવકમાં જીએસટી આવતા કરની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા રેટિંગ્સ જણાવે છે કે તા.૧ જુલાઈ ૨૦૧૭થી અમલમાં આવેલા આ કરની નવી પ્રણાલીમાં હજુ ઘણું કામ બાકી છે એમ કહી શકાય. વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)ના સમયમાં ઉત્પાદન ઉપર કરની આકારણી થતી હતી. ઉત્પાદક રાજ્યો સ્થાનિક ઉત્પાદન ઉપર વેટ લેત્ક હતા અને જયારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચાણ થાય ત્યારે તેના ઉપર બે ટકા કેન્દ્રીય વેચાણ વેરો (સીએસટી) લાદવામાં આવતો હતો. વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ દરમિયાન,  જે રાજ્યોને પોતાની કરની આવકમાં ૪.૫ ટકા કરતા વધારે હિસ્સો સીએસટી પાસેથી આવતો હતો તેમાં આસામ, છતીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મેઘાલય, ઉડીશા, સિક્કિમ અને તમિલનાડુનો સમાવેશ થતો હતો. આ રાજ્યોમાંથી કેટલાક રાજ્યો ઉત્પાદક હતા અને કેટલાક વપરાશકર. જીએસટીના અમલ પછી સીએસટીનો હિસ્સો વર્ષ ૨૦૧૭ના ૪.૧૬ ટકા સામે હવે ઘટી માત્ર ૦.૯૫ ટકા જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, જીએસટી જ્યાં માલ કે સેવાનો ઉપયોગ અને ઉપભોગ થાય છે ત્યાં આકારવામાં આવે છે એટલે કે ઉત્પાદક કરતા વ્પર્શ્કાર ઉપર ટેક્સનું ભારણ વધારે હોય છે. આવી જ રીતે ઇન્ટીગ્રેટેડ જીએસટી પણ વેચાણ ઉપર લેવામાં આવે છે એટલે એવી આશા હતી કે જીએસટીના અમલ પછી વપરાશ કરતા રાજ્યોની કરની આવકમાં વધારે ઝડપથી વધારો થશે.

જોકે, આ ચિત્ર મિશ્ર છે. આસામ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ જેવા વપરાશકર રાજ્યોમાં કરની આવક જીએસટીના અમલ પહેલાના સમય કરતા વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૧ વચ્ચે વધી છે જયારે કેરળ, મધ્યપ્રદેશ, ઉડીશા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો કે જે વપરાશકર હોવા છતાં કરની આવક ઘટી છે. ઉત્પાદક રાજ્યોમાં ગુજરાત, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ જેવા રાજ્યોની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે તો સામે મહારાષ્ટ્ર, તેલંગાના, ઉત્તર

પ્રદેશ જેવા રાજ્યોની કરની આવક વધી છે. એટલે એમ કહી શકાય એમ નથી કે ઉત્પાદકોને ફાયદો થયો કે વપરાશકારોને. એમ પણ તારણ નથી મળી રહ્યું કે જીએસટી વપરાશ ઉપરનો ટેક્સ હોવા છતાં વપરાશ કરતા રાજ્યોને એકલાને તેનો લાભ મળ્યો છે.  સૌથી મહત્વની વાત છે કે જીએસટીના અમલના કારણે, જે રાજ્ય સ્તરના કરવેરા જીએસટીમાં ભેળવી દેવાયા છે તેના લીધે રાજ્ય સરકારની કરવેરાની આવક ઘટી જવાની ચિંતા હતી. આ ઘટાડા સામે કેન્દ્ર સરકારે બંધારણીય સુધારો કરી વર્ષ ૨૦૧૪થી રાજ્યોની કરવેરાની આવક સામે પ્રતિ વર્ષ ૧૪ ટકાની વૃદ્ધિ સાથે વળતર આપવાનું વચન આપ્યું હતું, જીએસટીની આવક કરતા અગાઉની પ્રણાલી અનુસાર કરવેરાની આવક વધારે હોય તો વળતર મળે અને જો જીએસટીની આવક વધે અને જૂની આવક ઓછી હોય તો વળતર મળે નહી. આ વળતરની મુદ્દત પાંચ વર્ષ સુધી નિયત કરવામાં આવી હતી જે તા.૩૦ જૂન ૨૦૨૨ના પૂર્ણ થાય છે. રાજ્ય સરકાર આવક વધી નહી હોવાથી આ મુદ્દત વધે એ માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે.

વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૨ વચ્ચે સરેરાશ ૧૪ ટકાની વૃદ્ધિ ૧૭ જેટલા રાજ્યોમાં જોવા મળી નથી.  આ ૧૭ રાજ્યોની જીએસટીની આવક સરેરાશ ૧૦ ટકા જેટલી જોવા મળે છે. ઉત્તરાખંડ એવું રાજ્ય છે કે જ્યાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ વચ્ચે જીએસટીની આવક વધવાના બદલે ૪.૨ ટકા ઘટી છે! જે રાજ્યોમાં કરવેરાની આવક સૌથી વધી છે તેમાં ઉડીશાનો સમાવેશ થાય છે. ઉડીશામાં આ સમયગાળામાં ૨૦.૦૬ ટકા કરવેરાની આવક વધી છે. બિહારમાં ૧૩.૮૯ ટકા અને આસામ, આંધ્ર પ્રદેશ, છતીસગઢ જેવા રાજ્યોમાં સરેરાશ ૧૦ ટકા કરતા વધારે આવક વધી છે.  દરેક રાજ્ય માટે સ્થાનિક કરવેરાની આવક વિકાસ કાર્યો માટે સૌથી મહત્વની હોય છે જો આવક ઘટે તો તેમને દેવું કરવું પડે છે. દેવાનું ભારણ વધે નહી એટલા માટે જ વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૭-૧૮માં રૃ.૪૯,૦૦૦ કરોડનું વળતર ચુકવ્યું હતું જે પછીના વર્ષે વધી રૃ.૮૩,૦૦૦ કરોડ, વર્ષ ૨૦૧૯-૨૦માં રૃ.૧.૬૫ લાખ કરોડ, વર્ષ ૨૦૨૦-૨૧માં રૃ.૨.૭૮ લાખ કરોડ અને વર્ષ ૨૦૨૧-૨૨માં રૃ.૨.૩૯ લાખ કરોડ થયું છે.

(8:43 pm IST)