Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

સત્યેન્દ્ર જૈન સામેના કેસમાં ઈડીએ વધુ બેની ધરપકડ કરી

મની લોન્ડરિંગ કેસમાં ઈડીની વધુ એક કાર્યવાહી : અંકુશ, વૈભવ જૈન અને અન્યો સામે ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી, તા.૧ : દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીની વધુ એક કાર્યવાહી જોવા મળી છે.

સત્યેન્દ્ર જૈન વિરૃદ્ધ નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ વધુ ૨ લોકોની ધરપકડ કરી છે. ઈડી દ્વારા ધરપકડ કરાયેલા ૨ લોકોની ઓળખ ઉદ્યોગપતિ વૈભવ જૈન અને અંકુશ જૈન તરીકે થઈ છે. નોંધનીય છે કે, આ કેસમાં સીબીઆઈએ અંકુશ, વૈભવ જૈન અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

હાલમાં ઈડી અંકુશ અને વૈભવ જૈનની ધરપકડ કરીને તપાસ કરી રહી છે. સાથે જ બંનેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી કરીને આ કથિત મની લોન્ડરિંગ કેસનો ભેદ ઉકેલી શકાય. આ કેસમાં જ્યારે ૬ જૂને દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે ઈડીએ કુલ ૨.૩૫ કરોડ રૃપિયા અને લગભગ ૧૩૩ સોનાના સિક્કા જપ્ત કર્યા હતા.

તમને જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કથિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે અને સોમવારે કોર્ટે તેમની કસ્ટડી ૨ અઠવાડિયા સુધી લંબાવી છે.

વિશેષ ન્યાયાધીશ ગીતાંજલિ ગોયલે જૈનની કસ્ટડી લંબાવવાની ઈડીની અરજી પર આદેશ આપ્યો હતો. અગાઉ દિવસ દરમિયાન ન્યાયાધીશે એવી અરજીને ધ્યાનમાં લેવાનો ઈનકાર કર્યો હતો કે, કાર્યવાહી દરમિયાન ન તો જૈન કે ન તો તેમનું પ્રતિનિધિત્વ કરનાર કોઈ વકીલ કોર્ટ સમક્ષ હાજર હતા.

જૈનના હોસ્પિટલમાં દાખલ થવા અંગે જણાવવામાં આવ્યા બાદ કોર્ટે ઈડીને વિડિયો કોન્ફરન્સ દ્વારા દિવસ બાદ જૈનની હાજરી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ન્યાયાધીશે એજન્સીની અરજી પર દલીલો સાંભળી અને જૈનની ન્યાયિક કસ્ટડી ૧૪ દિવસ વધારી દીધી હતી.

(8:40 pm IST)