Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જનરલ મોટર્સે તેલંગણાનો પ્લાન્ટ ચીનની કંપનીને વેચવાનો સોદો રદ કર્યો

ભારતીય પ્લાન્ટ વેચવા માટે રેગ્યુલેટરી મંજૂરી ન મળી : ભારતની સરહદ સાથે જોડાયેલા પડોશી દેશોની કંપનીઓ દ્વારા ભારતમાં કરાતા રોકાણ માટે પૂર્વ મંજૂરી ફરજિયાત

નવીદિલ્હી, તા.૧ : જનરલ મોટર્સ ભારતમાં તેલંગાણા સ્થિત પોતાના બંધ થયેલા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને ચીનની ગ્રેટ વોલ મોટર્સ કંપનીને વેચવાનો સોદો રદ કર્યો છે. ભારતીય પ્લાન્ટ ચીની કંપનીને વેચવા માટે રેગ્યુલેટરી મંજૂરી ન મળવાને કારણે આ સોદો રદ કરવામાં આવ્યો છે.

હકીકતમાં બે વર્ષ પહેલા નિયમ મુજબ ભારતની સરહદ સાથે જોડાયેલા પડોશી દેશોની કંપનીઓ દ્વારા ભારતમાં કરાતા મૂડીરોકાણ માટે પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે. બંને કંપનીઓ વચ્ચે બે વખત એગ્રિમેન્ટની મુદ્દત લંબાવાઇ હતી, જેની મુદ્દ ૩૦ જૂને સમાપ્ત થઇ ગઇ છે. કંપનીના વડાએ જણાવ્યુ કે, અમે નિર્ધારિત સમયમર્યાદાની અંદર રેગ્યુલેટરી મંજૂરીઓ મેળવી શક્યા નથી.  

જનરલ મોટર્સે આ ભારતીય પ્લાન્ટ ચીનની ગ્રેટ વોલ મોટર્સને ૩૦ કરોડ ડોલરમાં વેચવા સોદો કર્યો હતો અને ત્યારબાદ ચીની કંપની ભારતમાં પોતાની હાજરી વધારવા ૧ અબજ ડોલરનું રોકાણ પણ કરવાનું હતુ. જનરલ મોટર્સે વર્ષ ૨૦૧૭માં ભારતમાં કાર બનાવવાનું બંધ કરી દીધુ હતુ.

હવે અમેરિકાની જનરલ મોટર્સ આ ભારતીય પ્લાન્ટ વેચવા માટે ખરીદદાર શોધી રહી છે. જ્યાં સુધી કંપનીને નવા ખરીદદાર નહીં મળે ત્યાં સુધી પ્લાન્ટની મશીનરીઓ અને ટુલ્સની જાળવણી માટે ખર્ચ કરતા રહેવુ પડશે. કંપની પોતાનો એક પ્લાન્ટ એસએઆઇસી મોટર કોર્પને વેચી ચૂકી છે.

 

(8:29 pm IST)