Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

યુએસમાં છેતરપિંડી કેસમાં મૂળ ભારતીયની ધરપકડ

૧૦,૦૦૦ લોકોની સાથે ૪૫ મિલિયન ડોલરની છેતરપિંડી : નીલે વિરસેના બેનર હેઠળની એક કે તેથી વધુ કંપનીઓમાં રોકાણકારોને જંગી નફો આપવાની લાલચ આપી હતી

વોશિંગટન, તા.૧ : અમેરિકામાં ૫૦ વર્ષીય ભારતીય મૂળના ટેક ઉદ્યોગસાહસિકની કથિત રોકાણ યોજના દ્વારા ૧૦,૦૦૦ લોકોની સાથે ૪૫ મિલિયન ડોલરની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ સ્કીમની મદદથી તેને અનેક લકઝરી કાર અને રિયલ એસ્ટેટ ખરીદવામાં મદદ મળી છે. લાસ વેગાસના નીલ ચંદ્રનની બુધવારે લોસ એન્જલસમાં ધરપકડ કરવામાં આવી હતી.

નીલ ચંદ્રન પર આરોપ છે કે, તેણે પોતાની અનેક ટેક કંપનીઓનો ઉપયોગ રોકાણકારોના રૃપિયા પડાવી લેવા માટે કર્યો હતો.

નીલે વિરસેના બેનર હેઠળ કાર્યરત પોતાની એક કે તેથી વધુ કંપનીઓમાં રોકાણકારોને જંગી નફો આપવાની લાલચ આપી હતી.

ચંદ્રનની કંપનીઓમાં ફ્રિ બી લેબ, સ્ટૂડિયો વીઆઈ ઈક્ન, વીઆઈડિલિવરી ઈક્ન, વીઆઈ માર્કેટ ઈક્ન અને સ્કાલેક્સ યુએસએ ઈક્ન જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. તેમાં વર્ચ્યુઅલ વિશ્વની ટેકનોલોજી વિકસાવવામાં આવી હતી. તેમાં તેની પોતાની ક્રિપ્ટોકરન્સી પણ સામેલ હતી. જેનો કંપનીના પોતાના મેટાવર્સમાં ઉપયોગ કરવાનો હતો.ચાર્જશીટમાં કહેવાયુ છે કે, ચંદ્રનએ રોકાણકારોને ખોટા વચનો આપ્યા હતા. સાથે જ એવું ખોટુ બોલ્યા હતા કે કંપનીના રોકાણકારોને ટૂંક સમયમાં જ મોટુ વળતર મળશે.

ચાર્જશીટ મુજબ તેમની કંપનીને કોઈપણ ગ્રૂપ ખરીદવા જઈ રહ્યુ નહોતુ. રોકાણકારોના રૃપિયાનો મોટો ભાગ ખોટી રીતે વ્યક્તિગત લાભ માટે અન્ય વ્યવસાયમાં કરવામાં આવ્યો હતો. આ સાથે તેણે મોંઘી કાર અને જમીન ખરીદી હતી.

ચંદ્રન પર વાયર ફ્રોડના ૩ આરોપો અને ગુનાકીય રીતે પ્રાપ્ત કરેલી પ્રોપર્ટી સાથે નાણાકીય વ્યવહારના ૨ આરોપો છે. આરોપ સાબિત થયા બાદ ચંદ્રનને દરેક વાયર ફ્રોડ માટે ૨૦ વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોના દરેક કેસમાં ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ચાર્જશીટમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ૧૦૦ વિવિધ મિલકતો, બેંક એકાઉન્ટ, રિયલ એસ્ટેટ, મોંઘી ગાડીઓ જેમાં ૩૯ ટેસ્લાની ગાડીઓ છે. આ તમામ વસ્તુઓ જપ્ત કરી લેવી જોઈએ કારણ કે તેણે અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે.

(8:28 pm IST)