Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

પેટ્રોલમાં પાંચ - ડિઝલમાં બાર તો ATF પર ૬ રૂપિયા એકસાઇઝ વધી

દેશમાં ઇંધણની અછત ન સર્જાય તે માટે સરકારે લીધુ પગલુ : કિંમત પર અંકુશ રાખવા પણ મદદ મળશે : સામાન્‍ય લોકો ઉપર કોઇ અસર નહિ પડે : પૂરતો જથ્‍થો મળી રહેશે

નવી દિલ્‍હી તા. ૧ : કેન્‍દ્ર સરકારે એક મોટું પગલું ભરતા પેટ્રોલ-ડીઝલ અને ATFની નિકાસ પર એક્‍સાઈઝ ડ્‍યુટી વધારી દીધી છે. સરકાર દ્વારા પેટ્રોલની નિકાસ પરની એક્‍સાઈઝ ડ્‍યૂટીમાં ૫ રૂપિયા અને ડીઝલ પર ૧૨ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્‍યો છે. આ સિવાય એટીએફની નિકાસ પરની સેન્‍ટ્રલ એક્‍સાઈઝ ડ્‍યૂટીમાં પ્રતિ લિટર ૬ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે.
નિષ્‍ણાતોનું માનવું છે કે આ સમાચાર દેશવાસીઓ માટે સારા છે. તેનાથી સ્‍થાનિક બજારમાં ઇંધણના વપરાશને પહોંચી વળવામાં મદદ મળશે. સ્‍થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. જો કે નેપાળ-ભૂતાન માટે એક્‍સાઈઝ ડ્‍યુટી યથાવત રહેશે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી.
આ સાથે સરકારે પેટ્રોલ-ડીઝલ અને એટીએફ સહિત તમામ ઉત્‍પાદનોની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ માટે કંપનીઓએ સેલ્‍ફ ડિક્‍લેરેશન આપવું પડશે. આયાતી તેલ બહાર મોકલવા પર આ નિયમ લાગુ પડશે. કંપનીઓએ સ્‍થાનિક બજારમાં ૫૦ ટકા પેટ્રોલ અને ૩૦ ટકા ડીઝલ આપવું પડશે. નેપાળ, ભૂટાનને આમાં છૂટ આપવામાં આવી છે. સ્‍થાનિક બજારમાં કિંમતને નિયંત્રણમાં રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.
કાચા તેલની નિકાસ પર ૨૩૨૫૦ રૂપિયા પ્રતિ ટન ડ્‍યૂટી લાગશે. સરકારના આ પગલાથી એરલાઇન્‍સ કંપનીઓ માટે ATFના ભાવમાં રાહતની આશા વધી છે. સ્‍થાનિક બજારમાં સ્‍ટોક વધવાને કારણે ભાવ નિયંત્રણમાં રહેશે. શુક્રવારે પણ એટીએફની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.
નાણા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્‍યું કે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પરની એક્‍સાઈઝ ડ્‍યુટીમાં વધારો કરવામાં આવ્‍યો છે. આનાથી સામાન્‍ય ગ્રાહકો પર કોઈ બોજ નહીં પડે. સરકારે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી સતત નિકાસ કરી રહી હતી. જેના કારણે સ્‍થાનિક બજારમાં તેલની અછત સર્જાઈ હતી અને ભાવમાં ઉછાળો જોવા મળ્‍યો હતો.

 

(3:39 pm IST)