Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

શું હજી સંકટ ટળ્‍યું નથી ? સીએમ શિંદે સહિત ૧૬ ધારાસભ્‍યો વિરૂધ્‍ધ સુપ્રિમ પ્‍હોંચી શિવસેના

બધાને સસ્‍પેન્‍ડ કરવા માંગણી

મુંબઇ તા. ૧ : શિવસેનાના ઉદ્ધવ ઠાકરે કેમ્‍પને સુપ્રીમ કોર્ટમાં ફરી એક ઝટકો લાગ્‍યો છે. કોર્ટે એકનાથ શિંદે સહિત ૧૬ ધારાસભ્‍યોને ગેરલાયક ઠેરવવા પર તાત્‍કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટનું કહેવું છે કે ૧૧ જુલાઈના રોજ અન્‍ય કેસની સાથે આ મુદ્દે પણ સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલાની તાત્‍કાલિક સુનાવણી થઈ શકે નહીં. ૧૧મી જુલાઈએ બહુમત પરીક્ષણને પડકારતી અરજી સહિતની તમામ બાબતોની એકસાથે સુનાવણી થશે.

હકીકતમાં, ધારાસભ્‍ય અને શિવસેનાના ચીફ વ્‍હીપ સુનીલ પ્રભુ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્‍યું હતું કે એકનાથ શિંદે સહિત ૧૬ ધારાસભ્‍યોને ગેરલાયકાતની નોટિસ છે. આવી સ્‍થિતિમાં જયાં સુધી તેના પર નિર્ણય ન આવે ત્‍યાં સુધી તેમના વિધાનસભામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવો જોઈએ. એટલું જ નહીં, તેમણે કહ્યું કે ગેરલાયકાતની નોટિસ પર નિર્ણય ન આવે ત્‍યાં સુધી આ ધારાસભ્‍યોને સસ્‍પેન્‍ડ કરવામાં આવે. સુનીલ પ્રભુ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્‍બલ હાજર થયા હતા, પરંતુ કોર્ટે કહ્યું હતું કે તેની સુનાવણી તાત્‍કાલિક થઈ શકે નહીં.

આ દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર પણ એક દિવસ માટે સ્‍થગિત કરવામાં આવ્‍યું છે. હવે ૩ અને ૪ જુલાઈએ વિધાનસભાનું વિશેષ સત્ર યોજાશે. પહેલા દિવસે વિધાનસભાના અધ્‍યક્ષની ચૂંટણી થશે અને પછી બીજા દિવસે એટલે કે ૪ જુલાઈએ શિંદેની સરકાર બહુમત સાબિત કરશે. ૧૧મી જુલાઈએ કોર્ટમાં સુનાવણી થવાની સાથે જ સ્‍પષ્ટ થઈ ગયું છે કે હવે એકનાથ શિંદે સરકાર સરળતાથી બહુમત સાબિત કરી શકશે.

શિવસેનાની અરજીમાં કહેવામાં આવ્‍યું હતું કે એકનાથ શિંદે સહિત ૧૬ ધારાસભ્‍યોને ડેપ્‍યુટી સ્‍પીકર દ્વારા ગેરલાયકાતની નોટિસ મોકલવામાં આવી હતી. આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્‍યો નથી. આવી સ્‍થિતિમાં કોઈ નિર્ણય લેવામાં આવે તે પહેલા આ લોકોએ વિધાનસભામાં પ્રવેશ ન કરવો જોઈએ. આ ઉપરાંત આ લોકોને ધારાસભ્‍ય તરીકે બહુમત પરીક્ષણમાં મત આપવાનો અધિકાર પણ નથી. આ જ તર્ક સાથે સુનીલ પ્રભુએ કહ્યું છે કે હાલ પૂરતું મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ગુરૂવારે સાંજે જ એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા હતા અને બીજેપી નેતા દેવેન્‍દ્ર ફડણવીસ ડેપ્‍યુટી સીએમ બન્‍યા છે.

(3:00 pm IST)