Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મહારાષ્‍ટ્ર વિધાનસભા સત્ર ૨-૩ જુલાઇએ : સ્‍પીકરની થશે ચૂંટણી

એકનાથ શિંદેએ મુખ્‍યમંત્રી પદના શપથગ્રહણ કર્યા

મુંબઇ તા. ૧ : એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્‍યમંત્રી બનાવવામાં આવ્‍યા છે. તેમણે સીએમ તરીકે શપથ લીધા હતા. હવે રાજયમાં નવી સરકાર બનવા જઈ રહી છે, જેનું નેતૃત્‍વ એકનાથ શિંદે કરશે. મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર ૨જી અને ૩જી જુલાઈએ સ્‍પીકર અને વિશ્વાસ મતની ચૂંટણી માટે બોલાવવામાં આવ્‍યું છે. પહેલા સ્‍પીકર ચૂંટાશે.
શિંદેને મુખ્‍યમંત્રી બનાવવા પર પાર્ટીના દીપક કેસરકરે કહ્યું કે સપનું પૂરું થઈ રહ્યું છે. આજે આનંદનો દિવસ છે. જે નિર્ણય ભાજપે લીધો છે, પરંતુ દેવેન્‍દ્ર ફડણવીસ સાહેબે તેના કરતા પણ મોટું દિલ બતાવ્‍યું છે. તેમણે પોતાની પાર્ટીના મોટા નેતાઓના કહેવા પર આ જવાબદારી સ્‍વીકારી છે. તેમના શાસનકાળમાં અનેક મોટા પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યા હતા. કેસરકરે કહ્યું કે દિલ્‍હી સાથે તેમના સંબંધો સારા છે, આવી સ્‍થિતિમાં શિંદે સાહેબને પણ તેમની સંપૂર્ણ મદદ મળશે અને તાલમેલ ઘણો સારો રહેશે. ભાજપે સારો નિર્ણય લીધો છે.
શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેએ ઓટો રિક્ષા ચલાવતા એકનાથ શિંદેની દુનિયા બદલી નાખી. તેઓ ૧૮ વર્ષની ઉંમરે શિવસેનામાં જોડાયા હતા. શિંદેએ આનંદ દિઘેનો વિશ્વાસ જીત્‍યો. બાજુ તરફ શિંદેની ઉત્‍સુકતા જોઈને તેમને ૨૦ વર્ષની ઉંમરે કિસાન નગરના શાખા પ્રમુખ બનાવવામાં આવ્‍યા.
શાખા પ્રમુખનું પદ સંભાળ્‍યા બાદ આનંદ દિઘેએ તેમને કાઉન્‍સિલરની ચૂંટણી માટે ટિકિટ આપી હતી. એકનાથ શિંદે ૧૯૭૭માં પ્રથમ વખત કાઉન્‍સિલર તરીકે ચૂંટાયા હતા. જે બાદ ૨૦૦૪માં તેમને ધારાસભ્‍યની ચૂંટણીની ટિકિટ મળી હતી. ૨૦૦૪ થી અત્‍યાર સુધી તેઓ ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા છે.
વચ્‍ચે શિવસેના પર ઘણી મુસીબતો આવી, પરંતુ એકનાથ શિંદેએ શિવસેના નથી છોડી. એવો દાવો કરવામાં આવ્‍યો હતો કે ૨૦૧૯માં ભાજપે શિવસેનાને છેતર્યા હતા. આ સમયે પણ અન્‍ય પક્ષોની મદદથી સત્તા રચવામાં આવી હતી, તે સમયે મુખ્‍યમંત્રી પદ માટે એકનાથ શિંદે અને સુભાષ દેસાઈના નામ ચર્ચામાં હતા. પરંતુ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્‍યપ્રધાન પદ સંભાળ્‍યું. આ નિર્ણય પર એકનાથ શિંદે નારાજ હોવાની પણ ઘણી ચર્ચા થઈ હતી.

 

(11:28 am IST)