Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

સોનું ખરીદવુ મોંઘુ : ઇમ્‍પોર્ટ ડયૂટી ૫ ટકા વધી

ઇમ્‍પોર્ટ ડયુટી ૭.૫ ટકા હતી જે હવે વધીને ૧૨.૫ ટકા થઇ

નવી દિલ્‍હી તા. ૧ : જો તમે બુલિયનમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્‍વપૂર્ણ છે. સોનું ખરીદવું હવે તમારા માટે મોંઘુ થઈ જશે. હકીકતમાં, સરકારે આજથી એટલે કે ૧ જુલાઈ, ૨૦૨૨થી સોના પરની આયાત ડ્‍યૂટીમાં ૫ ટકાનો વધારો કર્યો છે. એટલે કે હવે સોનાની આયાત પહેલા કરતા ૫ ટકા મોંઘી થશે. બુલિયન એક્‍સપર્ટ્‍સનું માનવું છે કે આના કારણે ફિઝિકલ માર્કેટમાં સોનાની પ્રતિ ૧૦ ગ્રામ કિંમત ઓછામાં ઓછી ૧૦૦૦ રૂપિયાની આસપાસ વધી શકે છે. અત્‍યાર સુધી સોના પર આયાત ડ્‍યૂટી ૭.૫ ટકા હતી, જે હવે વધીને ૧૨.૫ ટકા થઈ જશે. ગત વર્ષે સરકારે બજેટમાં ઈમ્‍પોર્ટ ડ્‍યૂટીમાં ઘટાડો કર્યો હતો. અગાઉ સોના અને ચાંદી પર ૧૨.૫ ટકાની આયાત જકાત હતી, જે બજેટ ૨૦૨૧માં ઘટાડીને ૭.૫ ટકા કરવામાં આવી હતી.
IIFL VP-સંશોધન અનુજ ગુપ્તા કહે છે કે દેશમાં સોનાની માંગ મજબૂત છે. બીજી તરફ સરકારની રાજકોષીય ખાધ પણ વધી રહી છે. તે જ સમયે, આયાત બિલમાં સતત વધારાને કારણે, ફોરેક્‍સ રિઝર્વ પર પણ અસર થઈ છે અને તેમાં થોડો ઘટાડો થયો છે. આને ધ્‍યાનમાં રાખીને સરકાર કેટલાક મોટા પગલા લઈ રહી છે, જે અંતર્ગત સોના પરની આયાત ડ્‍યૂટી પણ વધારી દેવામાં આવી છે. તાત્‍કાલિક અસરથી આયાત ડ્‍યુટીમાં વધારો થવાને કારણે સોનાની આયાતમાં ઘટાડો થશે. બીજી તરફ જો માંગ આવી જ રહેશે તો ભાવ વધશે.
જો કે, અનુજ ગુપ્તાનું માનવું છે કે આયાત ડ્‍યુટીમાં વધારો થયા બાદ સોનાની માંગમાં શોર્ટ ટમમાં થોડો ઘટાડો થઈ શકે છે. વેપારીઓ મોંઘા સોનાની આયાત કરવાનું ટાળે છે, તેથી ભૌતિક બજારમાં પણ માંગ ઓછી રહી શકે છે. કોઈપણ રીતે, તે તહેવારોની સિઝન નથી કે લગ્નની સિઝન નથી. તેમનું કહેવું છે કે હવે ઓગસ્‍ટથી જ સોનાની માંગ વધવાની આશા છે.
ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૮૧૦ ડોલરનું સપોર્ટ લેવલ તોડી તેની નીચે આવી ગયું હતું. નજીકના ગાળામાં કોન્‍સોલિડેશન થશે. હવે સોના માટે આગામી સપોર્ટ લેવલ $૧૭૯૫ અને $૧૭૮૫ છે. જયારે mcx પર તે ૫૦૧૦૦ ના સ્‍તરની આસપાસ છે. આ માટે આગામી સપોર્ટ લેવલ ૪૯૭૦૦ના સ્‍તરે છે. અનુજ ગુપ્તા કહે છે કે નજીકના ગાળામાં તે ૪૯૦૦૦ રૂપિયાથી ૫૨૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની રેન્‍જમાં રહી શકે છે.
વર્લ્‍ડ ગોલ્‍ડ કાઉન્‍સિલના રિપોર્ટ અનુસાર, ૨૦૨૧માં ભારતે ૫૫.૭ અબજ ડોલર એટલે કે ૪,૧૪૧.૩૬ અબજ રૂપિયાના સોનાની આયાત કરી હતી. ૨૦૨૦માં આ આંકડો માત્ર ૨૩ અબજ ડોલર એટલે કે ૧,૭૧૦ અબજ રૂપિયા હતો. રિપોર્ટ અનુસાર, જથ્‍થાના સંદર્ભમાં, ૨૦૨૧માં ભારતની કુલ સોનાની આયાત ૧,૦૫૦ ટન હતી, જયારે ૨૦૨૦માં આ આંકડો ૪૩૦ ટન હતો. વર્ષ ૨૦૨૦ માં, કોરોનાને કારણે લાગુ કરાયેલ લોકડાઉન અને લગ્નો પર લાદવામાં આવેલા કડક નિયંત્રણોને કારણે, સોનાની આયાતમાં ઘટાડો થયો હતો.

 

(11:00 am IST)