Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પીએમ મોદી બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તેમજ અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ લીધી વેક્સિન

એનસીપી નેતા શરદ પવારે પણ વેક્સિન લીધી

વડાપ્રધાન મોદી બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પણ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. હવે બીજો ડોઝ 28 દિવસ બાદ આપવામાં આવશે. રસી લીધા બાદ નાયડૂએ કહ્યુ કે, રસીકરણના આ તબક્કામાં પાત્ર બધા નાગરિકોને અપીલ કરુ છું કે કોરોના વાયરસ વિરુદ્ધ અભિયાનમાં આગળ વધીને સામેલ થાય અને રસીનો ડોઝ લે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તો એનસીપી નેતા શરદ પવારે પણ વેક્સિન લીધી છે. તો રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વેક્સિન લગાવવાના સવાલ પર કહ્યુ કે, મારી ઉંમર 70 વર્ષથી ઉપર છે. તમારે તેને યુવાઓને આપવી જોઈએ, જેની પાસે લાંબુ જીવન છે.

ભારતમાં કોરોના મહામારી વિરુદ્ધ જારી લડાઈ હવે એક પગલું આગળ વધી ગઈ છે. સોમવારે સામાન્ય જનતા માટે કોરોના રસીકરણની શરૂઆત થઈ છે. તે માટે 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકો પાત્ર હશે. રસીકરણ માટે કો-વિન 2.0 પોર્ટલ અને આરોગ્ય સેતુએપ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. સરકારી હોસ્પિટલમાં રસી ફ્રી મળશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક ડોઝના 250 રૂપિયા ચાર્જ લાગશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઓડિશાના સીએમ નવીન પટનાયક અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ વેક્સિન લીધી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે કોઈપણ વ્યક્તિ ગમે તે કેન્દ્ર પર જઈ કોરોનાની રસી લગાવડાવી શકે છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સવારે 9 કલાકથી શરૂ થઈ છે. રજીસ્ટ્રેશન માટે તમારે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસની ફોટોવાળી પાસબુક સહિત સરકારે મંજૂર કરેલા 12 ઓળખ પત્રમાંથી કોઈ એકની જરૂર પડશે.

(1:18 am IST)