દેશ-વિદેશ
News of Saturday, 30th April 2022

ઓએમજી....એક મરઘીને પકડવા અમેરિકામાં આખુ તંત્ર થયું દોડતું

નવી દિલ્હીઃઅમેરિકાના ઈન્ડિયાના સ્ટેટમાં આવેલા ચાર્લ્સટાઉનમાં એક તોફાની મરઘીને સ્થાનિક સરકારી બોડીએ વૉન્ટેડ જાહેર કરી હતી. એ મરઘી અચાનક ગુમ થઈ જતાં મ્યુનિસિપલ ઓફિસનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો. શહેરમાં ઠેર-ઠેર વૉન્ટેડ મરઘીના પોસ્ટર્સ લાગ્યા હતા. એટલે સુધી કે મ્યુનિસિપલ ઓફિસના સત્તાવાર ફેસબુક પેજમાં તેના વિશે માહિતી આપવામાં આવી હતી અને શહેરીજનોને એ મરઘીથી દૂર રહેવાની તાકીદ કરાઈ હતી. જો એ મરઘી ક્યાંય દેખાય તો એને પકડીને ભોજન માટે પકવતા નહીં એવી ખાસ સૂચના લોકોને અપાઈ હતી.આ શંકાસ્પદ મરઘી તોફાની હતી અને તેને સેમ્પલ માટે મોકલવાની હતી. આખરે ઓફિસના સ્ટાફની આખા શહેરમાં શોધખોળ પછી એક રેસ્ટોરન્ટમાંથી મરઘી મળી આવી હતી. મ્યુનિસિપલ ઓફિસના સ્ટાફે તેને પકડીને પાંજરે પૂરી હતી અને પછી વૉશિંગ્ટન એનિમલ સર્વિસને સોંપી દીધી હતી.એક મરઘી માટે સ્થાનિક સરકારી તંત્ર દોડતું થયું તેનું લોકોમાં પણ ભારે કૂતુહલ થયું હતું. ઠેર-ઠેર મરઘીના ફોટા લાગ્યા તેની સોશિયલ મીડિયા પોસ્ટ પણ બનવા લાગી હતી. સ્થાનિક મીડિયાએ આ વૉન્ટેડ મરઘીની વિશેષ સ્ટોરીને વિશેષ કવરેજમાં સમાવી હતી. એ પછી તો વૉન્ટેડ મરઘીના સમાચાર અમેરિકા ઉપરાંત દુનિયાભરમાં વાયરલ થયા હતા.

 

(7:16 pm IST)