દેશ-વિદેશ
News of Saturday, 29th January 2022

સાઉદી અરેબિયામાં એક 4500 વર્ષ જૂનો એક હાઇવે સંશોધન દરમ્યાન આવ્યો સામે

નવી દિલ્હી: દુનિયા વિચિત્ર વસ્તુઓથી ભરેલી છે, જેના પુરાવા સમયાંતરે જોવા મળે છે. સંશોધકો પણ એવી વસ્તુઓની શોધમાં વ્યસ્ત છે, જેને જોયા અને સાંભળ્યા પછી આશ્ચર્ય થાય છે. એ વાત ચોક્કસ છે કે દુનિયાભરમાં હજુ પણ એવા ઘણા રહસ્યો વણઉકેલ્યા છે જે હજુ ઉકેલવાના બાકી છે. તાજેતરમાં પુરાતત્વવિદોને એવી એક વાત જાણવા મળી છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે.

સાઉદી અરેબિયામાં એક અનોખી વસ્તુ જોવા મળી છે. અહીંના પુરાતત્વવિદોને લગભગ 4500 વર્ષ જૂના એક હાઇવે વિશે જાણકારી મળી છે. આવા હાઇવેનું મળવું એ સંકેત છે કે આટલા વર્ષો પહેલા પણ લોકોને રસ્તા બનાવવાની જાણકારી હતી. એટલું જ નહીં, હાઈવેની બંને બાજુએ કબરો પણ મળી આવી છે, જે હજારોની સંખ્યામાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર, યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના એક્સપ્લોરર્સ છેલ્લા એક વર્ષથી હેલિકોપ્ટર દ્વારા હવાઈ સર્વેક્ષણ કરી રહ્યા હતા. લેખક મેથ્યુ ડાલ્ટન આ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. ત્યારે જ તેઓએ એક અચંબિત કરી નાંખતો રસ્તો શોધી કાઢ્યો. આ માર્ગો 1,60,000 કિમીમાં ફેલાયેલા છે. જ્યારે આ માર્ગોની તપાસ કરવામાં આવી ત્યારે ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી. સંશોધકોએ આ માર્ગની સેટેલાઈટ ઈમેજ પણ તપાસી અને રિપોર્ટ બનાવ્યો. આ અહેવાલ હોલોસીન જર્નલ રિસર્ચમાં પણ પ્રકાશિત થયો છે.

(8:05 pm IST)