દેશ-વિદેશ
News of Tuesday, 28th June 2022

ટેક્‍સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્‍યા

ચોંકાવનારો અકસ્‍માત, કે માનવ તસ્‍કરી ?

વોશિંગ્‍ટન, તા.૨૮: અમેરિકામાં એક મોટી દુર્ઘટના જોવા મળી છે. ટેક્‍સાસ રાજ્‍યના સાન એન્‍ટોનિયોમાં સોમવારે ટ્રેક્‍ટર-ટ્રેલરની અંદર ઓછામાં ઓછા ૪૬ લોકોના મળત હાલતમાં મળી આવ્‍યા હતા. કાયદા અમલીકરણ અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરી છે. સાન એન્‍ટોનિયોની KSAT ચેનલે જણાવ્‍યું હતું કે આ ટ્રક શહેરના દક્ષિણની હદમાં રેલમાર્ગના પાટા નજીકથી મળી આવી હતી. જો કે, સાન એન્‍ટોનિયો પોલીસે હજુ સુધી આ અંગે કોઈ ટિપ્‍પણી કરી નથી.

KSATના ટ્‍વિટર એકાઉન્‍ટ પર પોસ્‍ટ કરવામાં આવેલી તસવીરોમાં, પોલીસ વાહનો અને એમ્‍બ્‍યુલન્‍સ એક મોટી ટ્રકની આસપાસ જોવા મળે છે. માનવામાં આવે છે કે આ ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો મામલો છે, કારણ કે જ્‍યાંથી આ ટ્રક મળી છે તે યુએસ અને મેક્‍સિકો બોર્ડરથી ૨૫૦ કિમી દૂર છે. સિટી કાઉન્‍સિલના વડા એડ્રિયાના રોચા ગાર્સિયાએ જણાવ્‍યું હતું કે ટ્રકમાં મળત મળી આવેલા લોકો સ્‍થળાંતરિત હતા.

સાન એન્‍ટોનિયો ફાયર વિભાગના જણાવ્‍યા અનુસાર, સોમવારે રાત્રે ૧૬ અન્‍ય લોકોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા, જેમાંથી ચાર સગીર હતા. તેમને હીટ સ્‍ટ્રોક માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. ત્રણ સ્‍થળાંતર કરનારાઓને મેથોડિસ્‍ટ મેટ્રોપોલિટન હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા જ્‍યાં તેમની સ્‍થિતિ સ્‍થિર છે. એવું માનવામાં આવે છે કે આ તમામ બંધ ટ્રકની અંદર બેઠા હતા અને ગરમીના કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. સોમવારે ટેક્‍સાસમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્‍સિયસ પર પહોંચી ગયું હતું. આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ૨૦૧૭માં પણ ટેક્‍સાસમાં ૧૦ ઈમિગ્રન્‍ટ્‍સના મળતદેહોથી ભરેલી ટ્રક મળી આવી હતી.

આ મામલે મેક્‍સિકોના વિદેશ મંત્રી માર્સેલો એબ્રાર્ડે પોતાની પ્રતિક્રિયા આપી છે. ટ્‍વીટ કરીને તેણે તેને ટ્રેજેડી ઇન ટેક્‍સાસ એટલે કે ટેક્‍સાસની ટ્રેજેડી ગણાવી છે. સાથે જ તેમણે કહ્યું કે સ્‍થાનિક વાણિજ્‍ય દૂતાવાસ ઘટનાસ્‍થળે પહોંચી રહ્યું છે. જો કે, મળતક મળી આવેલા તમામ લોકોની રાષ્‍ટ્રીયતાની પુષ્ટિ થઈ શકી નથી. તાજેતરના મહિનાઓમાં રેકોર્ડ સંખ્‍યામાં સ્‍થળાંતર કરનારાઓએ યુએસ-મેક્‍સિકો સરહદ પાર કરી છે. આ જોતા જો બિડેન સરકારની ઈમિગ્રેશન નીતિની ટીકા થઈ રહી છે.

(11:08 am IST)