દેશ-વિદેશ
News of Friday, 27th November 2020

ભૂખ્યા વાંદરાઓની ધમાલને શાંત કરવા આ સંગીતકાર પિયાનો વગાડે છે

બેંગકોક, તા.૨૭: સંગીતની પ્રાણીઓ પર અસરના અનેક કિસ્સા વિશ્વમાં નોંધાયા અને સૌએ સાંભળ્યા છે. નીરો અને ભગવાન કૃષ્ણના વાંસળીવાદન સહિત સંગીતની પશુ-પક્ષીઓ પર અસરના પ્રસંગો જાણીતા છે. જીવશાસ્ત્રીઓ સહિત વિજ્ઞાનીઓએ એ વિષય પર અનેક સંશોધનો પણ કર્યા હોવાનું મનાય છે. થાઇલેન્ડમાં પિયાનોવાદક પોલ બાર્ટને ભૂખ્યા હોવાથી ધાંધલ કરતા વાંદરાને શાસ્ત્રીય સંગીતની ધૂન સંભળાવીને શાંત પાડયા હોવાની ઘટના ઘણી પ્રશંસા પામી છે.

બ્રિટિશ પિયાનોવાદક પોલ બાર્ટને થાઇલેન્ડમાં હિન્દુ મંદિર સહિત વિવિધ ઠેકાણે આપેલા પર્ફોર્મન્સના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે, પરંતુ એમાં એક વિડિયો ખૂબ લોકપ્રિય થયો છે. એ વિડિયોમાં પોલ બાર્ટન થાઇલેન્ડના લોપબુરીના જંગલમાં પિયાનો પર બીથોવન અને અન્ય સંગીતકારોની તરજો વગાડીને ભૂખ્યા વાંદરાને સાવ ડાહ્યાડમરા બનાવતા હોવાનું જોવા મળે છે. વાંદરા ભૂખ્યા થાય ત્યારે બેફામ કૂદાકૂદ કરતા હોય છે. કોઈના અંકુશમાં ન રહેતા વાંદરા પર સંગીતની ચમત્કારિક અસર જોઈને સૌને આશ્ચર્ય થાય છે.

(10:33 am IST)