દેશ-વિદેશ
News of Wednesday, 25th November 2020

બ્રિટનની કવીન તરફથી જન્મદિનની શુભેચ્છા પાઠવતું કાર્ડ મોકલાયું

નાઝીના હુમલા, વિમાન દુર્ઘટના, કેન્સર અને કોરોનાથી બચનારી મહિલા ૧૦૦ વર્ષની થઇ

એક નાઝી ડ્રાઇવરે તેમને મારી નાખવાની કોશીશ કરી હતી

લડંન,તા.૨૫ :  જર્મનીમાં નાઝી ડ્રાઇવર દ્વારા હુમલો, લિબિયામાં વિમાન દુર્ઘટના, બ્રેસ્ટ કેન્સર અને કોરોનાનાં સંક્રમણમાંથી ઊગરી જનારી બિટનની જોય એન્દ્રુ નામની એક મહિલાએ તાજેતરમાં તેના ૧૦૦માં જન્મદિવસની ઉજવણી કરી હતી.

આ વર્ષે મે મહિનામાં તેમને કોરોનાનું સંક્રમણ થયું હતું ત્યારે તબીબોએ તેમના પરિવારને જણાવ્યું હતું કે, જોય હવે બચી શકે એવી શકયતા નહીંવત છે. જોકે, જીવનમાં અનેક હોનારતોનો સામનો કરનારા જોય વધુ એક વખત અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઊગરી ગયા હતા. તેમને બ્રિટનની કવીન તરફથી જન્મદિનની શુભેચ્છા પાઠવતું કાર્ડ પણ મળ્યું હતું.

જોયનો જન્મ ૧૯૨૦માં લંડનમાં થયો હતો અને તેઓ ત્યાં જ મોટા થયા હતા. તેઓ બીજા વિશ્વ યુદ્ઘ દરમિયાન બ્રિટનમાં મહિલાઓના સહાયક હવાઈ દળમાં જોડાયા હતા. બીજા વિશ્વ યુદ્ઘ પછી જર્મન યહૂદી પરિવારના જોયની જર્મનીના ડુસ્સેલડોર્ફ શહેરમાં નિમણૂક થઈ હતી. અહીં તેમના માટે એક ડ્રાઈવર ફાળવવામાં આવ્યો હતો. આ ડ્રાઇવરે એક દિવસે જોયની હત્યા કરવા માટે ઇરાદાપૂર્વક કારનો અકસ્માત કર્યો હતો. જેના નિશાન હજી જોયના ચહેરા પર છે. આ ડ્રાઇવરની ધરપકડ થઈ હતી અને તે નાઝી નીકળ્યો હતો.

આ યુદ્ઘ પછી જોય બ્રિટિશ ઓવરસીસ એરવેઝ કોર્પોરેશનમાં એર હોસ્ટેસ તરીકે જોડાઈ હતી. એક સમયે તે જે ફ્લાઇટમાં હતી એમાં ફ્યૂઅલ ખૂટી ગયું હતું. આખરે આ પ્લેન લિબિયામાં તૂટી પડયું હતું. આ દુર્ઘટનામાં જોય સહિતના ક્રૂ મેમ્બર્સ બચી ગયા હતા, પરંતુ એક મુસાફરનું મૃત્યુ થયું હતું. બાદમાં ૧૯૭૦માં જોયને બ્રેસ્ટ કેન્સર હતું. જેમાંથી પણ તેઓ બહાર આવી ગયા હતા. એન્ડ હવે ડિમેન્શિયાથી પીડાય છે.

(11:28 am IST)