દેશ-વિદેશ
News of Tuesday, 24th May 2022

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં 5.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: મંગળવારે બપોરે રાજધાની ઈસ્લામાબાદ અને ખૈબર પખ્તુનખ્વા સિવાય બલૂચિસ્તાનમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ (Richter Scale) પર ભૂકંપની તીવ્રતા 5.3 આંકવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) મુજબ, આજે બપોરે 12:36 વાગ્યે પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાનમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ 10 કિમી અંદાજવામાં આવી હતી. જો કે, પાકિસ્તાનના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ વિસ્તાર હતો અને તેની ઊંડાઈ 85 કિમી હતી. જો કે હજુ સુધી ભૂકંપમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રાજધાની ઈસ્લામાબાદ અને બલૂચિસ્તાનના ભાગો અને દેશના અન્ય ભાગોમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ મહિનાની શરૂઆતમાં, બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લાના ઔરાનાજી વિસ્તારમાં 5.2-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 80 મકાનો ધરાશાય થયા હતા, જેમાં 200 થી વધુ પરિવારો બેઘર થયા હતા.

 

(6:51 pm IST)