દેશ-વિદેશ
News of Saturday, 23rd January 2021

પાકિસ્તાને તાજેતરમાં છોડેલ મિસાઈલ બલુચિસ્તાનના રહેણાંક વિસ્તારમાં ખાબકતા પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પાકિસ્તાને બુધવારે દાવો કર્યો હતો કે, પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ મિસાઈલ શાહીન-3નુ સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યુ છે.

આ માટે પાકિસ્તાનના વડાપ્રધાનથી માંડીને બીજા નેતાઓએ પરીક્ષણ માટે અભિનંદન આપ્યા હતા.જોકે આ પરીક્ષણની પાકિસ્તાનના જ એક નેતાએ પોલી ખોલી નાંખી છે. આ મિસાઈલ પરીક્ષણ બાદ બલૂચ રિપબ્લિકન પાર્ટીના પ્રવક્તા શેર મહોમ્મદ બુગતીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનની મિસાઈલ બલૂચિસ્તાનમાં પડી હતી અને તેના કારણે થયેલા ધડાકામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ પહેલા પણ પાકિસ્તાન પર બલૂચિસ્તાનના લોકો પર અત્યાચાર કરવાનો આરોપ લગાવી ચુકેલા બુગતીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનની સેનાએ બલૂચિસ્તાનને લેબોરેટરીમાં ફેરવી નાંખ્યુ છે.પાકિસ્તાનની શાહીન મિસાઈલ બલૂચિસ્તાનના ડેરા બુગતીમાં ખાબકી હતી.જેના કારણે સેંકડો લોકોના ઘર તબાહ થઈ ગયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.

(5:41 pm IST)