દેશ-વિદેશ
News of Tuesday, 21st June 2022

યુક્રેનનું કાળા સમુદ્ર ખાતેનું બંદર રશિયાના બોમ્બધડાકાથી ધ્રુજી ઉઠ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: સોમવારે યૂક્રેનના કાળા સમુદ્ર બંદર ઓડેસા પર રશિયન દળોએ આક્રમણ કર્યું હતું અને આ બંદર શહેર બોમ્બધડાકાઓથી ધ્રૂજી ઊઠયું હતું. ક્રિમિયા ઓઈલ કંપનીના ગેસ ડ્રીલિંગ સ્ટેશન પર યૂક્રેનિયન દળોના આક્રમણનો વળતો જવાબ હોવાનો રશિયન દળોએ દાવો કર્યો હતો. આ દરમિયાન યૂક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમે એક ઉમેદવાર દેશ તરીકેના યૂક્રેનના સ્ટેટસ બાબતે આ સપ્તાહમાં યુરોપિયન યુનિયનના નિર્ણયની રાહ જોઇ રહ્યા છીએ તે દરમિયાન રશિયન દળો હુમલો ઉગ્ર કરે તેવી સંભાવના છે. આ દરમિયાન સોમવારે યૂક્રેને સ્વીકાર્યું હતું કે તેમણે પૂર્વ યૂક્રેનના ઔદ્યોગિક શહેર સેવરોડોનેસ્ક સાથે જોડાયેલા એક ગામ પરનું નિયંત્રણ ગુમાવી દીધું છે અને તે હવે રશિયન દળોના તાબામાં આવી ગયું છે. લગાન્સ્કના રિજનલ ગવર્નરે જાહેરાત કરી હતી કે કમનસીબે અમે મેત્યોલકાઇન પરનો કબજો ગુમાવ્યો છે અને રશિયન દળોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેમણે સ્વીકાર કર્યો હતો કે બન્ને પક્ષે ખૂંખાર જંગ બાદ રશિયાએ આ ગામ આંચકી લીધું છે.

દરમિયાન આ સપ્તાહે યૂક્રેનને કેન્ડિડેટ કન્ટ્રીના સ્ટેટસ અંગે યુરોપિયન યુનિયન નિર્ણય કરશે ત્યારે એક જાણકાર અધિકારીએ જણાવ્યું હતું કે ઇયુ આ મુદ્દે પોઝિટિવ નિર્ણય કરશે તો પણ યૂક્રેનને કેન્ડિડેટ કન્ટ્રીના સ્ટેટસમાંથી સભ્ય દેશ બનવામાં વર્ષો લાગી શકે છે. નોંધનીય છે કે આ સપ્તાહે બ્રુસેલ્સ સમિટમાં સભ્ય દેશોના નેતાઓ મળશે ત્યારે સભ્ય પદ મેળવવા માંગતા વિવિધ દેશોની યાદીમાં યૂક્રેનનું નામ ઉમેરાઇ શકે છે.

(6:12 pm IST)