દેશ-વિદેશ
News of Saturday, 21st May 2022

લોકોને થવો હવે હાશકારો:બે અઠવાડિયા બાદ શ્રીલંકામાં ઇમરજન્સી હટાવવામાં આવી હોવાની માહિતી

નવી દિલ્હી: આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ બે સપ્તાહ બાદ દેશમાં ઇમરજન્સી હટાવવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે સરકાર વિરુદ્ધ લોકોના પ્રદર્શનને કારણે રાષ્ટ્રપતિએ 6 મેએ અડધી રાતથી દેશમાં આપાતકાલની જાહેરાત કરી હતી. હીરૂ ન્યૂઝ પ્રમાણે રાષ્ટ્રપતિ સચિવાલયે કહ્યુ કે શુક્રવારે અડધી રાતથી દેશમાં ઈમરજન્સી હટાવી લેવામાં આવી છે. દેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ઇમરજન્સી દરમિયાન પોલીસ અને સેના પાસે લોકોની ધરપકડ કરવા અને કસ્ટડીમાં લેવાનો અધિકાર હતો. શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં આર્થિક સંકટ માટે ઘણા લોકો રાજપક્ષે પરિવારને દોષી માને છે. આ કારણે રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરતા લોકો રસ્તા પર ઉતર્યા અને આ દરમિયાન હિંસા થઈ હતી. તેને જોતા રાષ્ટ્રપતિ ગોટબાયાએ દેશમાં ઈમરજન્સી લાગૂ કરવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી પદેથી મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ દેશમાં સરકાર સમર્થક અને સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી હિંસામાં 9 લોકોના મોત થયા તો 200થી વધુ લોકોને ઈજા થઈ હતી.

 

(6:28 pm IST)