દેશ-વિદેશ
News of Monday, 20th September 2021

અત્યંત કિંમતી ખજાનને શોધવા તાલિબાને શરૂ કર્યું સર્ચ ઓપરેશન

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના અત્યંત કિંમતી ખજાનાને શોધવા માટે તાલિબાને સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. સરકારના સૂચના અને સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ બાબતની જાણકારી આપી છે. તાલિબાની અધિકારીઓએ કહ્યું કે, તેમણે Bactrian ખજાનાને ટ્રેક કરવા અને શોધવાના પ્રયાસો શરુ કરી દીધા છે. આ ખજાનાને ચાર દશક પહેલા ઉત્તરી જવજ્જન પ્રાંતના કેન્દ્રમાં શેરબર્ગન જિલ્લાના તેલા તાપા વિસ્તારમાં શોધવામાં આવ્યો હતો. હવે આ સોનાનો ભંડાર ગાયબ છે અને અત્યારે તાલિબાનને દેશ ચલાવવા માટે તેની ખાસ જરુર છે. ન્યુઝ એજન્સી એએનઆઈએ પોતાના રિપોર્ટમાં જાણકારી આપતા કહ્યું કે, કેબિનેટના સાંસ્કૃતિક આયોગના ઉપપ્રમુખ અહમદુલ્લા વાસીકે કહ્યું કે, સંબંધિત વિભાગોને બેક્ટ્રિયન ખજાનો શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે. ટોલો ન્યુઝ અનુસાર વાસીકે કહ્યું કે, અત્યારે સમગ્ર બાબતની તપાસ ચાલી રહી છે અને જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આખરે સત્ય શું છે. જો આ ખજાનાને અફઘાનિસ્તાનની બહાર મોકલવામાં આવ્યો હશે તો તે દેશદ્રોહ ગણાશે.

અધિકારીએ જણાવ્યું કે, જો આ ખજાના અને અન્ય પ્રાચીન વસ્તુઓને દેશની બહાર લઈ જવામાં આવી હશે તો અફઘાનિસ્તાનની સરકાર ગંભીર કાર્યવાહી કરશે. નેશનલ જિયોગ્રાફિક અનુસાર, બેક્ટ્રિયન ખજાનામાં પ્રાચીન સમયના દુનિયાભરના હજારો સોનાના ટુકડા શામેલ છે.

(5:55 pm IST)