દેશ-વિદેશ
News of Monday, 20th September 2021

ગર્ભવતી હોવાની વાતથી હતી અજાણ

લગ્નના ત્રણ દિવસ પહેલા જ દુલ્હને બાળકને આપ્યો જન્મ

લંડન,તા.૨૦:સામાન્ય રીતે લગ્ન પછી યુવતીઓ માતા બનતી હોય છે. અને આ ઘડી તેમના માટે દુનિયાની સૌથી શ્રેષ્ઠ ઘડી હોય છે. લગ્ન પહેલા જો યુવતી ગર્ભવતી બનીને બાળકને જન્મ આપે તો સમાજમાં તેની ટીકા થતી હોય છે. પરંતુ લંડનમાં એક એવો વિચિત્ર કિસ્સો બન્યો હતો જેના વિશે જાણીને આપણને માનવામાં ન આવે. લંડનમાં એક મહિલાએ લગ્નના માત્ર ત્રણ દિવસ પહેલા જ બાળકને જન્મ આપ્યો હતો. અને આ બાળકના જન્મ બાદ યુવતીનું કહેવું હતું કે પોતે ગર્ભવતી છે એવો તેને સહેજ પણ અણસાર આવ્યો ન્હોતો. આથી પ્રેગનેન્સી અંગે તે એકદમ અજાણ હતી.

બ્રિટનમાં રહેતી ૪૦ વર્ષીય લિસાના કહેવા પ્રમાણે તેના માટે માતા બનવું એ સ્વપ્ન સમાન હતું અને તેણે વિચાર્યું હતું કે, હવે તે આ માટે બુઢ્ઢી થઈ ગઈ છે. પરંતુ અચાનક પ્રસવ પીડા ઉપડ્યા બાદ તેને ઈમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને ત્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો.

ટીએલસીના યુટ્યુબ પેજ પર લિસાની વાર્તાનો એક અંશ રજૂ કરવામાં આવ્યો હતો જયાં તેણે દર્દનાક ઘટનાઓની જાણકારી આપી હતી. તેના કહેવા પ્રમાણે તેને ગર્ભાવસ્થા સાથે સંકળાયેલા કોઈ જ સામાન્ય લક્ષણો નહોતા અનુભવાઈ રહ્યા જેમાં ઉબકા અને સ્તનોના દુખાવાનો સમાવેશ થાય છે. તેનું વજન પણ વધવાના બદલે ઘટી ગયું હતું.

લિસાએ જણાવ્યું કે, ૨ મહિના માસિક ન આવ્યું એટલે તેણે ગર્ભાવસ્થા પરીક્ષણ કર્યું હતું જેનું પરિણામ નેગેટિવ આવ્યું હતું. આ કારણે તેણે એવું માની લીધું હતું કે, મેનોપોઝનો સમય આવી ગયો છે.

જોકે તેના ૪ મહિના બાદ તેણે ફરી પ્રેગ્નેન્સી રિપોર્ટ કર્યો હતો જેનું પરિણામ સ્પષ્ટ નહોતું આવ્યું. ત્યાર બાદ તેણે ત્રીજી વખત ટેસ્ટ કર્યો હતો અને તેનું પરિણામ પણ નેગેટિવ જ આવ્યું હતું.

જેસન સાથેના લગ્નના ૩ દિવસ પહેલા જ તે લોહીથી લથપથ થઈ ગઈ હતી અને બાથરૂમમાં તેણે ચેક કર્યું ત્યારે તેને કશુંક અસામાન્ય લાગ્યું હતું. ત્યાર બાદ જેસન પોતાની થનારી પત્નીને હોસ્પિટલ લઈ ગયો હતો અને તેનો ગર્ભપાત થઈ ગયો એમ લાગ્યું હતું.

ડોકટર્સે તપાસ કરીને ગર્ભમાં રહેલું બાળક ૨૮થી ૩૦ સપ્તાહનું થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. ડોકટરના કહેવા પ્રમાણે લિસાએ તૂટેલા પ્લેસેંટાનો અનુભવ કર્યો હતો જેના કારણે ભારે રકતસ્ત્રાવ થયો હતો. મતલબ કે જલ્દી જ બાળકથી પોતાની માતા દ્વારા મળતો લોહીનો પુરવઠો છૂટવાનો હતો.

ડોકટરે જેસનને તે પિતા બનવાનો છે તેમ જણાવ્યું હતું અને થોડા કલાકોમાં જ તેણે પોતાનું બાળક જોયું હતું. જયાં સુધી બાળકના ફેફસાં સરખી રીતે વિકસિત ન થઈ ગયા ત્યાં સુધી ડોકટર્સે તેને ખાસ મોનિટરિંગમાં રાખ્યું હતું.

(10:01 am IST)