દેશ-વિદેશ
News of Friday, 19th January 2018

ફાસ્ટ ચાર્જિંગની નવી ટેકનોલોજી, આટલી જ મિનિટમાં ફોન થઇ જશે ફુલ ચાર્જ!

૧૦ ગણુ વધુ ઝડપથી થશે ચાર્જિંગઃ પાંચ મિનિટમાં ૪૮ ટકા ચાર્જિંગઃ અન્ય વસ્તુઓ પણ ચાર્જ થશે

નવી દિલ્હી તા. ૧૯ : મોબાઈલ હેન્ડસેટ બનાવતી કંપની હુવાવેએ ફાસ્ટ ચાર્જિંગમાં એક નવી ટેકનોલોજી વિકસાવી છે. હુવાવે વોટ લેબ દ્વારા તૈયાર કરાયેલી આ ટેકનિક અંગે દાવો કરાઈ રહ્યો છે કે, તેનાથી સ્માર્ટફોનની બેટરી ૧૦ ગણી વધારે ઝડપથી ચાર્જ થઈ જશે.

કંપનીએ આ અંગેનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. વીડિયોમાં બતાવ્યા અનુસાર, આ ટેકનિકના ઉપયોગથી ગણતરીની મિનિટોમાં જ ફોનની બેટરી ચાર્જ થઈ જાય છે. બે દિવસ પહેલા જ હુવાવેએ આ વીડિયો યૂટ્યૂબ પર મૂકયો છે. કંપનીનો દાવો છે કે આ ટેકનિકથી બેટરી માત્ર ૫ મિનિટમાં ૪૮ ટકા જેટલી ચાર્જ થઈ જાય છે.

કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, ૪૮ ટકા ચાર્જિંગમાં તમને લગભગ ૧૦ કલાકનો ટોકટાઈમ પણ મળશે. કંપનીના નિવેદન અનુસાર, બાકી બધી ટેકનોલોજીથી આ ચાર્જિંગ વધુ ફાસ્ટ છે. આ ટેકનિક ટૂંક જ સમયમાં તમામ ઈલેકિટ્રક ઉપકરણો જેવા કે સ્માર્ટફોન, મોબાઈલ પાવર સપ્લાય, કમ્પ્યુટર અને ઈ-વાહનોને બેક-અપ ઉપલબ્ધ કરાવશે.

આ ટેકનિકની વધુ એક ખાસ વાત એ છે કે, હુવાવેએ ફાસ્ટ ચાર્જિંગ ફીચર માટ અલગથી એક ડિવાઈસ આપ્યું છે. જયારે યુઝર પોતાના સ્માર્ટફોનને આ ટેકનિકથી ચાર્જ કરશે તો તેને પોતાના ફોનની બેટરી કાઢવી પડશે. જોકે, હવે મોટો સવાલ એ છે કે, તો શું રિમૂવેબલ બેટરીના ફોનનો સમય પાછો આવશે?

(3:55 pm IST)