દેશ-વિદેશ
News of Wednesday, 17th January 2018

ડાયાબીટીઝનો ઉપચાર સરળ બનશે બ્લડ-શુગર સંબંધીત જીન્સની ઓળખ થઇ

નવી દિલ્હી, તા., ૧૭:  ઇન્સ્યુલીન પર નિયંત્રણમાં મહત્વપુર્ણ નીવડી શકે એવા જીન્સની ઓળખ સાથે વિજ્ઞાનીઓને જીનેટીક રિસર્ચમાં આરોગ્યને લાભદાયક સફળતા મળી છે. આ જીનેટીક રિસર્ચ ડાયાબીટીઝની સારવારમાં ઘણી સહાયક નીવડશે. ડાયાબીટીઝના જાણીતા પ્રકારો ટાઇપ-વન અને ટાઇપ-ટુ ઉપરાંત ડાયાબીટીઝના એકથી બે ટકા કેસમાં જીનેટીક ડીસઓર્ડર કારણભુત હોય છે. જીન્સમાં ખામી હોય તો સ્વાદુપિંડમાં ઇન્સ્યુલીન પેદા કરતા બીટા સેલ્સ નામે ઓળખાતા કોષો પર અસર થાય છે.

એક પરીવારના અભ્યાસમાં નોંધપાત્ર તારણો મળ્યા હતા. એમાં પરીવારના સભ્યોમાંથી કેટલાક ડાયાબીટીઝથી પીડાતા હતા, પરંતુ કુટુંબના અન્ય સભ્યોને ઇન્સ્યુલીનોમાસ તરીકે ઓળખાતી ઇન્સ્યુલીન પેદા કરતી ટયુમર્સ હતી. એ ટયુમર્સને કારણે હાઇ બ્લડ શુગર માટે કારણભુત ડાયાબીટીઝથી વિપરીત લો બ્લડ-શુગરનો વ્યાધી થઇ શકે છે.

સંશોધકોની ટીમે નોંધ્યું હતું કે પુરૂષોને હાઇ બ્લડ શુગરનો ડાયાબીટીઝ વધારે થાય છે અને ઇન્સ્યુલીનોમાસ મહિલાઓમાં જોવા મળે છે. એ તફાવતનાં કારણો હજી સ્પષ્ટ થયાં નથી. સંશોધકોએ ડાયાબીટીઝ માટે કારણભુત માફા નામના જીન્સમાં જીનેટીક ડીસઓર્ડર શોધી કાઢયો છે. એ જીન્સ બીટા સેલ્સમાં ઇન્સ્યુલીનના સ્ત્રાવને નિયંત્રીત કરે છે.

પરીવારમાં હાઇ બ્લડ શુગર-ડાયાબીટીઝ ધરાવતા સભ્યો અને ઇન્સ્યુલીનોમાસ ધરાવતા સભ્યો બન્નેમાં જીનેટીક ખામી હતી. સંશોધકોને આ પ્રકારના અન્ય એક પરીવારમાં પણ આવુ ચિત્ર જોવા મળ્યું હતું. જીનેટીક ખામીને બીમારી સાથે સંબંધ હોય એવું પહેલી વખત બન્યું છે. વિજ્ઞાનીઓ પણ બીમારીની વૃધ્ધિમાં જીનેટીક ખામી મહત્વપુર્ણ હોવાનું માને છે.(૪.૧૦)

 

(4:13 pm IST)