દેશ-વિદેશ
News of Wednesday, 17th January 2018

પપ્પાએ દીકરાને શોધવા હેલિકોપ્ટર ભાડે કર્યું, ૧૦ મિનિટમાં તે કારના કાટમાળમાંથી મળ્યો

સીડની, તા. ૧૭ : ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ હાઇવે પર ૧૭ વર્ષનો સેમ્યુઅલ લેધબ્રિજ અકસ્માતનો ભોગ બનેલી કારના કાટમાળમાં ૩૦ કલાક સુધી ફસાયેલો રહ્યો હતો. તે ટીનેજરનો પરિવાર ચિંતાતુર હતો. રવિવારે સેમ્યુઅલ તેના ફ્રેન્ડના ઘરે જવાનો હતો, પરંતુ તે ત્યાં નહીં પહોંચતા કુટુંબીજનોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસ કે અન્ય કોઇને પાંચ કલાક સુધી સેમ્યુઅલનો પત્તો નહીં મળતા સેમ્યુઅલના ફાધર ટોની લેધબ્રિજે જાતે શોધ કરવાનું વિચાર્યું હતું. ખાસ કરીને એ વિસ્તારમાં પાંચ કલાક પહેલા કાર એકિસડન્ટ થયો હોવાનું જાણ્યા પછી ટોની લેધબ્રિજ હેલિકોપ્ટર ભાડે કરીને સેમ્યુઅલને શોધવા નીકળ્યા હતાં. ટોનીને તેમનો દીકરો મુશ્કેલીમાં હોવાની શંકા ગઇ હતી, કારણ કે ગુમ થઇ જવું સેમ્યુઅલના સ્વભાવમાં નહોતું.

હેલિકોપ્ટરમાં નીકળ્યા પછી ૧૦ મિનિટમાં ટોનીને દીકરો સેમ્યુઅલ મળી ગયો હતો. અકસ્માતગ્રસ્ત કારમાં સપડાયેલા સેમ્યુઅલને બહાર કાઢવા માટે ઇમર્જન્સી ક્રૂને બોલાવવામાં આવ્યા હતા. તેમને કારના કાટમાળમાં ડેશબોર્ડની નીચે દબાયેલા સેમ્યુઅલને બહાર કાઢતા એકાદ કલાક લાગ્યો હતો. સેમ્યુઅલને મલ્ટિપલ ફ્રેકચર્સની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સ્થિતિ ગંભીર છે.

(4:13 pm IST)